રાજ્યમાં સાવર્ત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. રાજ્યમાં  4 વાગ્યા સુધી 134 તાલુકામાં વરસાદ નોંધાયો છે.  જેમાં 12 તાલુકાઓમાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો જ્યારે 23 તાલુકામાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. ત્યારે 74 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે. 


આજે કાળા ડિબાંગ વાદળો સાથે સમગ્ર ખેડા  વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો હતો. જેમાં નડિયાદ, માતર, ખેડા, અને કપડવંજમાં વરસાદ ખાબક્યો હતો. મહેમદાવાદમાં મેઘરાજાએ જોરદાર બેટીંગ કરી હતી. મહેમદાવાદમાં 6 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકતાં શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં કેડ સમા પાણી  ભરાયા હતા. 




રાજ્યમાં  4 વાગ્યા સુધી 134 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ખેડાના મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ પડ્યો છે.  ખેડામાં 3.4 ઈંચ,  અમદાવાદના માંડલમાં 2.4 ઈંચ વરસાદ વરસ્યો છે, ખેડાના માતરમાં 2.2 ઈંચ, જામનગરના કાલાવડમાં 2 ઈંચ અને ખેડાના કઠલાલમાં  2 ઈંચ વરસાદ નોંધાયો છે. 


રાજ્યના ઘણા જિલ્લાઓ, સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ, દમણ તથા દાદરા અને નગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં, સૌરાષ્ટ્રના જૂનાગઠ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટમાં વરસાદ પડવાની શક્યતા છે.


હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે. 20થી 24 જૂન સુધી 60 કિલોમીટરથી વધારાની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયામાં ન જવા માટેની સૂચના આપવામાં આવી છે. દરિયામાં 3.5 મીટરથી 4.5 મીટર સુધીના મોજા ઉછળવાની શક્યતા છે. 


રાજ્યમાં ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થતાંની સાથે જ સાર્વત્રિક વરસાદ પડ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ નોંધાયો છે. આજે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.  રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. 


આજે પડેલા વરસાદના કારણે ખેતરોમાં આગોતરી વાવણી કરનાર ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. રાજકોટ જિલ્લામાં ખેડૂતોએ મરચી મગફળી કપાસ સહિતના પાકનું આગોતરું વાવેતર કર્યું છે એમાં પણ આ સમયે વરસાદની પાકને જરૂરિયાત હતી એ જ સમયે વરસાદ પડતા ખેડૂતોમાં પણ આનંદ જોવા મળ્યો છે.