જૂનાગઢ: છેલ્લા પાંચ દિવસથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે એમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં મનમુકીને વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં રાતે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી વરસેલા વરસાદના આંકડા સામે આવ્યા છે જેમાં સૌથી વધુ વરસાદ માળીયા હાટીનામાં નોંધાયો હતો. માળીયા હાટીનામાં 2.4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.


જૂનાગઢ જિલ્લામાં રાતે 12 વાગેથી સવારે 6 વાગ્યા સુધી કેટલો વરસાદ નોંધાયો તેના પર એક નજર કરીએ તો, માળીયા હાટીનામાં 2.4 ઈંચ, મેંદરડામાં 1.7 ઈંચ, માણાવદરમાં 1.5 ઈંચ, વિસાવદરમાં અડધો ઈંચ, વંથલીમાં 9 મીમી, ભેસાણમાં 3 મીમી અને જૂનાગઢમાં 2 મીમી વરસાદ નોંધાયો હતો.

માળીયા હાટીના, મેંદરડા અને માણાવદરમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ અને ખેતરોમાં પર પાણી ભરાઈ ગયા હતાં. ભારે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલા વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડવાની સંભાવના છે. રાજ્યમાં ભારે પવન સાથે 60 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 53 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રના માળીયા તાલુકામાં ખાબક્યો હતો. જૂનાગઢના માળીયામાં 2.3 ઈંચ વરસાદ ખાબક્યો હતો.