સાબરકાંઠા:  સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટીંગ કરી છે.  સવારથી જ મેઘરાજાએ રમઝટ બોલાવી છે.  જિલ્લાના મુખ્યમથક હિંમતનગર સહિત ઈડર, તલોદ,  પ્રાંતિજ, વિજયનગર,  ખેડબ્રહ્મા પાણી-પાણી થયા છે. ઈડરમાં તો બપોરના 4 વાગ્યા સુધીમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તલોદમાં સાડા પાંચ ઈંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.  પ્રાંતિજમાં 4,  હિંમતનગરમાં 3 અને ખેડબ્રહ્મામાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. 


ઈડર શહેર અને તાલુકાના ગામોમાં ધોધમાર વરસાદને લઈ રસ્તા પર નદીની જેમ પાણી વહેતા થયા હતા. તલોદ શહેર અને તાલુકાના વક્તાપુર, ખેરોલ,  ઉજેડિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તલોદ શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.  ગામના ખેતરો વરસાદી પાણીથી તરબોળ થયા છે.  તલોદમાં જમીન ત્યાં જળના દ્રશ્યો સર્જાયા હતા. 


તલોદ શહેરના  વીજ વિભાગના સબ સ્ટેશનમાં પાણી ભરાતા મુશ્કેલી સર્જાઈ હતી. મામલતદાર વીજ વિભાગના સબસ્ટેશને દોડી આવ્યા અને અહીં મશીનો દ્વારા પાણી ઉલેચવાની કામગીરી કરાઈ હતી.  તલોદના માર્કેટ યાર્ડ પાસેના વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા.  ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરી પલળી ગઈ હતી. તલોદની સરકારી હાઈસ્કૂલમા કેડસમા પાણી ભરાયા હતા.  હાઈસ્કૂલનું પરિસર જાણે તળાવ બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. 




તલોદ તાલુકો અને ઉપરવાસમાં ભારે વરસાદને લઈ મેશ્વો નદીમાં પૂર આવ્યું છે. તલોદના આંત્રોલી ગામ પાસેથી પસાર થતી મેશ્વો નદીના પાણી કોઝવે પરથી પસાર થઈ રહ્યા છે.  જેને લઈ રસ્તો બંધ કરવો પડ્યો છે. મૂશળધાર વરસાદને લઈ હિંમતનગર શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર પાણી ભરાયા હતા. હાઈવે જાણે નદી બની ગયો હોય તેવો દ્રશ્યો જોવા મળ્યા હતા. અહીં 2 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો.  


ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છને લઈ હવામાન વિભાગની મોટી આગાહી


રાજ્યમાં મેધરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ઉત્તર ગુજરાત જળબંબાકાર થશે. સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ મન મૂકીને મેઘરાજા વરસશે. હવામાન વિભાગના મતે આજે મહેસાણા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ, કચ્છ, સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસશે. 


12 જુલાઈના અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  13 જુલાઈના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, ડાંગ, નવસારી, છોટાઉદેપુર અને દાહોદમાં ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 14 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદ  પડી શકે છે.  


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial