Gujarat Rain: ગુજરાતમાં અત્યારે ચોમાસાના પહેલા વરસાદે જ તબાહી મચાવી છે, ચોમાસુ બરાબર જામ્યુ છે. તાજા અપડેટ પ્રમાણે, સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ભાદર-2 ડેમ ઓવરફ્લૉ થયો છે, હાલમાં ડેમ સંપૂર્ણ રીતે ભરાઇ ગયો છે, અને એક દરવાજો અડધો ફૂટ ખોલીને પાણી છોડાઇ રહ્યું છે. ભારે વરસાદના કારણે તંત્ર એલર્ટ મૉડમાં છે. 


છેલ્લા ચાર-પાંચ દિવસથી ગુજરાતમાં સૌરાષ્ટ્રથી લઇને દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગઇ કાલે ભારે વરસાદના કારણે ધોરાજીના જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઇ છે, હાલમાં ભાદર-2 ડેમ સંપૂર્ણપણે ભરાયો છે, અને ભાદર-2 ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલીને પાણી છોડાઇ રહ્યું છે. ડેમનો એક દરવાજો ખોલાતા નદીકાંઠાના તમામ વિસ્તારોને એલર્ટ કરાયા છે. ખાસ કરીને ઉપલેટા, કુતિયાણા, માણાવદર, રાણાવાવ, પોરબંદરના નદીકાંઠાના વિસ્તારોને એલર્ટ મૉડમાં રખાયા છે. અત્યારે ભાદર-2 ડેમમાં 575 ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. 


સાસણ-જૂનાગઢ રોડ પર ફરી વળ્યા પાણી


ઓઝત નદીના પાણી સાસણ-જૂનાગઢ રોડ પર ફરી વળ્યા હતા. ઓઝત નદીમાં પૂર આવતા આણંદપુર ગામ પાસે પાણી ભરાયા હતા.  મેંદરડાના આણંદપુર ગામ નજીક કેડસમા પાણી ભરાયા હતા. ઓઝત નદીમાંથી પાણી આવતા ચેકડેમ છલકાયો હતો.


ભાખરવડ ડેમમાં પાણીની  આવક


માળિયા હાટિનાના ભાખરવડ ડેમમાં પાણીની ભારે આવક થઇ હતી. બે દિવસથી માળિયા હાટિના પંથકમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ડેમમાં નવા નીર આવતા ખેડૂતો ખુશખુશાલ થયા હતા. ભાખરવડ ડેમ પાસેના ગામોને એલર્ટ કરાયા હતા. વડાળા, વીરડી, માળિયા હાટિના, આંબેચા ગામને એલર્ટ કરાયા હતા.


 જૂનાગઢ જિલ્લામાં 50 રસ્તા બંધ


જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે હજુ પણ 50 રસ્તા બંધ છે. ઘેડ પંથકના 33 ગામો હજુ સંપર્ક વિહોણા છે. કલેક્ટરે કહ્યું કે રાશન, આરોગ્યની વ્યવસ્થા અગાઉથી કરાઈ હતી. હજુ ક્યાંય રેસ્ક્યૂ કરવાની ફરજ પડી નથી.જૂનાગઢ જિલ્લાના કલેક્ટરે કહ્યું કે જિલ્લામાં ક્યાંય પણ ખાના ખરાબી માનવ ઈજા કે પશુઓના મૃત્યુના હજુ સુધી કોઇ બનાવ બન્યા નથી. દર વર્ષે ભારે વરસાદના કારણે ઘેડમાં સમસ્યા સર્જાય છે.


જૂનાગઢ જિલ્લામાં જળતાંડવથી જનજીવન ખોરવાયું છે. કેશોદ તાલુકાના પંચાળા ગામ બેટમાં ફેરવાયું છે. ચારે તરફથી ઓઝત અને સાબરી નદીના પાણી ફરી વળ્યા હતા. પંચાળા અને બાલા ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે. નદીઓના પાણી ફરી વળતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે.