લો-પ્રેશર ઉત્તર ગુજરાત-રાજસ્થાનના સરહદી વિસ્તારથી આગળ વધીને રાજસ્થાન અને કચ્છની સરહદ પર સક્રિય થતાં છેલ્લાં ચાર દિવસો દરમિયાન કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જ્યારે મોનસૂન ટ્રફનો છેડો હજુ ગુજરાત તરફ વધુ હોવાથી આગામી 7 દિવસોમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે.
હવામાન ખાતાએ ઓડિશાનાં 8 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપી છે. મલકાનગીરી, નવરંગપુર, કોરાપુટ, કાલાહંડી, નૌપાડા, બોલનગીર, કંધમાલ, સોનેપુરમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે.
આસામમાં પૂરનાં પાણી ઓસરતા લોકોને રાહત મળી છે. વરસાદનું જોર ઓછું થયું છે. જો કે, બ્રહ્મપુત્ર નદી હજી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. બિહાર અને આસામમાં પૂરથી 213 લોકોનાં મોત થયાં છે. આશરે સવા કરોડ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. બિહારનાં 12 જિલ્લામાં 127 લોકોનાં મોત થયાં છે. જ્યારે આસામમાં 18 જિલ્લામાં 86 લોકોએ જીવ ગુમાવ્યો છે. બિહારમાં 24 કલાકમાં નદીકાંઠાનાં વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. બાગમતી. ગંડક, કમલા બલાન, ખિરોઈ નદીઓ હજી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે.