ગાંધીનગર: ગુજરાતમાં વરસાદે છેલ્લા કેટલાય સમયથી વિરામ લીધો છે જેના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈ સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 21થી 25 જુલાઈ સુધીમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના લગભગ તમામ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ પડશે.

21 અને 22 જુલાઈએ સૌરાષ્ટ્ર-કચ્છથી લઈ દીવ, દાદરાનગર હવેલી, વલસાડ, છોટા ઉદેપુર, નવસારીમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકશે તેવી સંભાવના છે. જ્યારે 24-25 જુલાઈએ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થાય તેવી શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, નૈઋત્યનું ચોમાસુ પશ્ચિમમાં રાજસ્થાનમાં પ્રવેશી ચૂક્યું છે. જેના કારણે આગામી બે-ચાર દિવસમાં ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.

હાલ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાવણી થઈ ચૂકી હોવાથી ખેડૂતોમાં પાક સુકાવાની ચિંતા જોવા મળી છે. ત્યારે 20 જૂલાઈએ રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ મહેરબાની કરતા પાકને જીવતદાન મળ્યું છે. જેને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે.

શનિવારે ઉત્તર ગુજરાતના અંબાજી નજીક દાંતાના ભેમાળ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત સૌરાષ્ટ્રના બોટાદ, રાજકોટ, ગઢડા, અમરેલીના ધારી સહિતના વિસ્તારમાંથી પણ વરસાદ મેઘમહેર થયો હતો. તેમજ દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના સુબિર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે.

મધ્ય ગુજરાતના છોટાઉદેપુર પંથકના લગભગ તમામ તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. આ વરસાદને પગલે પાકને જીવતદાન મળ્યું છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.