અમદાવાદ: દિવાળી પૂર્વે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ગુજરાતના 42 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ ડાંગના વઘઈમાં 2.8 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે નવસારીના ચિખલીમાં 2.6 ઈંચ, જૂનાગઢના કેશોદમાં 2.2 ઈંચ, માળીયામાં 2 ઈંચ અને તાપીના દોલવણમાં 1.2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતાં.

જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના અને કેશોદમાં બે, માંગરોળ, વંથલી, સાવરકુંડલા, માધવપુરમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. કમોસમી વરસાદના કારણે મગફળી સહિતના પાકોને નુકસાન પહોચ્યું છે.

આ ઉપરાંત ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. કેશોદના ગ્રામ્ય વિસ્તારમાં બેથી અઢી ઈંચ વરસાદ પડ્યો હતો. ગડુ શેરબાગ, સમઢીયાળા, સુખપુર, સીમાર, શાંતીપરા, જડકા, નાની મોટી ધણેજ ગામોમાં વરસાદ પડતા મગફળી સહિતના પાકને નુકસાન થયું છે. તાલાલા પંથકમાં એક ઈંચ વરસાદ પડ્યો હતો.

માધવપુર ઘેડમાં એક કલાકમાં 1 ઈંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતોના માંડવીના ઉપડેલા પાકમાં નુકસાન થતાં ખેડૂતોમાં ચિંતા ફેલાઈ હતી. અમરેલી જિલ્લાના સાવરકુંડલા એક ઈંચ અમરેલીમાં 18 મીમી, ખાંભામાં 11, ધારીમાં 5, લીલીયામાં 4 મીમી જ્યારે અમરેલીના કેરિયાનાગસમાં દોઢ ઈંચ અને ધારીના દલખાણીયામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ચોમાસાની સિઝન બાદ વરસાદ વરસતાં ખેડૂતોમાં મુશ્કેલી વધી છે.

સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. જે ખેડૂતોએ જમીનમાંથી મગફળી કાઢીને પાતરા કરી રાખ્યા છે તેના વરસાદ પડવાથી ઉભી મગફળી ઉગી જવાની ભીતિ છે. કપાસમાં ફૂલ ફલરી લાગી હોય તે વરસાદના કારણે ખરી પડે છે. જેથી કપાસના પાકને પણ નુકશાન પહોંચે તેવી સંભાવના છે.