અમદાવાદઃ એક તરફ શિયાળાનો માહોલ હવે ધીરે ધીરે શરૂ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં ફરી એક વખત વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. અરબી સમુદ્રમાં લો પ્રેસર સિસ્ટમ સક્રિય થતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે. આગામી બે દિવસ અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર તેમજ દક્ષિણમાં નવસારી, વલસાડ, દમણમાં સામાન્ય વરસાદની સંભાવના છે.

મંગળારે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડયો હતો. જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના, કેશોદમાં બે, માંગરોળ, વંથલી, સાવરકુંડલા, માધવપુરમાં એક ઈંચ વરસાદ પડયો હતો. કમોસમી વરસાદના કારણે મગફળી સહિતના પાકોને નુકસાન પહોચ્યું છે.

જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના અને કેશોદમાં બે ઈંચ વરસાદ પડયો હતો. જેના કારણે ઉભા પાકને નુકસાન પહોચ્યું છે. જયારે વથલી, માંગરોળમાં 1 ઈંચ અને વિસાવદરમાં 15મીમી વરસાદ પડયો હતો. જૂનાગઢમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટા પડયા હતા. કેશોદના ગ્રામ્ય વિસ્તારમાં બેથીઅઢી ઈંચ વરસાદ પડયો હતો.

ગડુ શેરબાગ, સમઢીયાળા, સુખપુર, સીમાર, શાંતીપરા, જડકા, નાની મોટી ધણેજ ગામોમાં વરસાદ પડતા મગફળીના પાથરાને નુકસાન થયું છે. તાલાલા પંથકમાં અર્ધાથી એક ઈંચ વરસાદ પડયો હતો.કેશોદના શેરગઢમાં બે ઈંચ વરસાદ પડયો હતો.