અરબી સમુદ્રમાં દબાણ સર્જાતાં કેટલાંક વિસ્તારોમાં ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી હતી. આગાહી વચ્ચે જૂનાગઢમાં એકાએક ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો અને મોટા હોર્ડિંગ, દુકાનના બેનરો રસ્તાઓ પર ઉડવા લાગ્યા હતા. 10થી 15 મીનિટમાં જૂનાગઢમાં અડધો ઈંચ વરસાદ ખાબક્યો હતો.
ભારે પવન અને વરસાદના કારણે ઝાંઝરડા રોડ ઉપર સાંઈબાબાના મંદિર પાસે એક વૃક્ષ ધરાશાયી થયું હતું. વરસાદને કારણે ખુલ્લા ફટાકડાના સ્ટોલમાં પાણી ફરી વળતા મોટા ભાગના ફટાકડા ભીના થઈ ગયા હતાં. જૂનાગઢ ઉપરાંત વંથલીમાં ચાર મીમી. વરસાદ પડ્યો હતો.
શનિવારે ભાવનગર જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. અચાનક વાતાવરણ બદલાતાં દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી થઈ હતી. અલંગ અને મણહાર સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતાં.
ગીર સોમનાથમાં વાતાવરણમાં પલ્ટો આવતાં તાલાલ, મેંદરડા, સાસણ અને માલિયા ગીરના ગામોમાં વરસાદ ઝાપટાં પડ્યા હતાં. જેને લઈને ખેડૂતોમાં મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં. આ ઉપરાંત અમરેલીના વડેરા, રંગપુર, બરવાળા અને બગસરા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.