રાજકોટ: સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે પણ મેઘમહેર યથાવત્ છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. જ્યારે ભાવનગરમાં વહેલી સવારે પાંચ વાગ્યે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું. વીજળીના ચમકારાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભારે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

અમરેલી જિલ્લામાં પણ સતત બીજા દિવસે વરસાદ ખાબક્યો હતો. વહેલી સવારે વરસાદ પડતાં રસ્તાઓ પાણી જ પાણી થઈ ગયા હતા. અમરેલીના લાઠી, સાંવરકુંડલા, દામનગર સહિતના વિસ્તારોમાં મોડી રાતથી ધીમી ધારે વરસાદ ખાબક્યો છે. વરસાદથી ગામડાંઓની નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતી સર્જાઈ હતી. આ સિવાય બાબરામાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે.

જસદણ પંથકમાં આટકોટમાં સવારે એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. અમરેલીના ધારી તાલુકાના વાવડી ગામે ભારે વરસાદથી નદી બે કાંઠે વહેતી થઈ છે. નદીમાં ઘોડાપૂર આવાતા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. સમઢીયાળા ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે.

ભારે પવનના કારણે સાવરકુંડલાના છેલાણામાં વીજપોલ ધરાશાયી થયો છે. જોકે, કોઇ જાનહાનિ સર્જાઇ નથી. સાંવરકુંડલાના ચરખડીયા ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. વરસાદથી પાકને નવુ જીવતદાન મળશે.