આગામી 24 કલાક ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. તેમજ એનડીઆરએફની ટીમોને એલર્ટ રહેવા સૂચના પણ આપી દેવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.


ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. ભારે વરસાદથી રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા હતા. ભરૂચમાં ભારે વરસાદથી અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઈંદાનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. ઝુંપડપટ્ટીમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નગરપાલિકા પ્રમુખ સહિત ફાયરની ટીમ નીચાણવાળા વિસ્તારની મુલાકાતે પહોંચી હતી. પાલિકા પ્રમુખે લોકોને જરૂરી સુવિઘા પૂરી પાડવાની ખાતરી આપી છે.


ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અંકલેશ્વરના પીરામણ ગામ નજીકથી પસાર થતી આમલાખાડી ઓવરફ્લો થયો છે. જેના કારણે પીરામણ ગામને જોડાતા પુલ પર પાણી ફરી વળ્યા છે. જેથી માર્ગ પર વાહન વ્યવહાર બંધ થયો છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


ભરૂચમાં નેત્રંગમાં ભારે વરસાદથી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. મધુવંતી નદી ઉપર બાંધવામાં આવેલો ધોળી બાંધ છલકાયો છે. જેના કારણે નીચાણવાળા 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ધોળી બંધ 136 મીટરની સપાટી વટાવીને હાલ 136.05 મીટરથી વહી રહ્યો છે. જેથી ધોળી, રજલવાડા, બીલવાડા, મોટા સુરવા, રાજપારડી, સારસા, કપાટ, વણાંકપોર, હરિપુરા અને રાજપરા ગામને એલર્ટ કરાયા છે. ભારે વરસાદના કારણે ભરૂચનો કસક વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હતો. ઝાડેશ્વર રોડ ઉપર આવેલા કસક વિસ્તારમાં પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. અંકલેશ્વરના કકડિયા કોલેજ પાસે રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા. રસ્તા પર કેડસમા પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.