વરસાદે વિરામ લીધા બાદ પણ પાણી ભરાયેલા યથાવત છે. ભારે વરસાદના કારણે પાણી ઓસરતા કલાકો લાગશે. મહેસાણાના કડી માં પડેલ ધોધમાર વરસાદ ને પગલે કરણ નગર વિસ્તારની 30થી વધુ સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે.
મહેસાણાના કડીમાં વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું હતું. કડી શહેરની 30 જેટલી સોસાયટીમાં વરસાદી પાણી ભરાયાં છે. વરસાદને કારણે કરણ નગર રોડ પર આવેલ ગુરુદેવ, શક્તિ નગર, અમરનાથ રોયલ વ્યૂ, રાજવૈભવ, વિવેકાનંદ સોસાયટી આસુતોષ અક્ષર સહિત 30થી વધુ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયાં છે. વરસાદી પાણી ભરાવાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. કડીમાં લોકોના ઘરોમાં ત્રણથી ચાર ફૂટ પાણી જોવા મળ્યા હતા.
રાજ્યમાં હજુ 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે અને આવતીકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. આજે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, જામનગર, મોરબી, સુરેંદ્રનગરમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.