ગાંધીનગર : સમગ્ર રાજ્યમાં મોસમનો સરેરાશ વરસાદ 94.57 ટકા જેટલો થઈ ગયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 162.81 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં 123.59 ટકા, દક્ષિણ ગુજરાતમાં 86.19 ટકા, ઉત્તર ગુજરાતમાં 75.15 ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 73.77 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.


રાજ્યમાં 57 તાલુકાઓ એવા છે કે જેમાં મોસમનો 1000 મીમીથી વધુ વરસાદ વરસ્યો છે. એ જ રીતે 129 તાલુકાઓમાં 501 થી 1000 મીમી સુધી, 63 તાલુકાઓમાં 251 થી 500 મીમી સુધી અને માત્ર બે તાલુકામાં 126 થી 250 મીમી સુધી વરસાદ વરસ્યો છે. જ્યારે એક પણ તાલુકો એવો નથી કે જ્યાં પાંચ ઈંચથી ઓછો વરસાદ વરસ્યો ના હોય.

રાજ્યમાં હજુ 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે અને આવતીકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. આજે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, જામનગર, મોરબી, સુરેંદ્રનગરમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.