ગાંધીનગર: રાજ્યમાં આગામી 3 દિવસ મધ્યમ વરસાદ પડશે. 3 દિવસ બાદ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. 1 ઓગસ્ટના રોજ બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થશે. લો પ્રેશરના કારણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થશે.


રાજ્યના 21 જિલ્લાના 59 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે નવસારીના જલાલપોરમાં વરસાદ નોંધાયો છે. વાપીમાં પણ ભારે વરસાદ પડ્યો છે. રાજકોટના લોધિકામાં પણ સારો વરસાદ પડ્યો છે.

અમરેલીના રાજુલા બાદ સાવરકુંડલા શહેર અને ખાંભા ગીર પંથકમાં વરસાદનું ધમાકેદાર આગમન થયું છે. ખાંભા ગીરના ભાવરડી, દાઢયાળી, નાનુડી, ખડાધાર સહિતના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ યથાવત છે.

છોટા ઉદેપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ઓડ, બરોજ, ઝોઝ, મલાજા ગામમાં ધોધમાર વરસાદ પડ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદથી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. વરસાદના કારણે ડાંગર, મકાઈ, કપાસ, તુવેરના પાકને જીવતદાન મળશે.