દાહોદ: ભારે વરસાદને કારણે દાહોદ શહેર જળમગ્ન થયું છે. ચાકલિયા અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.  દેલસર વિસ્તારમાં માર્ગો પર નદીની જેમ પાણી વહેતા થયા હતા. હાઈવે પર વૃક્ષ ધરાશાયી થતા પોલીસે વૃક્ષ હટાવવાની  કામગીરી કરી હતી.  મૂશળધાર વરસાદને કારણે દાહોદમાં સોમવારે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. 




નદીના ધસમસતા પ્રવાહની વચ્ચેથી જીવના જોખમે પસાર થવા જતા કાર તણાઈ હતી.  ખારી નદીમાં ઈનોવા કાર તણાતા ફાયરની ટીમે રેસ્ક્યૂ કર્યુ  હતું.  કારમાં સવાર એક બાળક અને બે યુવકોનું રેસ્ક્યૂ કરી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.   દાહોદના ઉંચવાણ ગામમાં ચાર લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ગઈકાલ રાતથી નદીમાં રેતી ખનન કરવા ગયેલા ત્રણ સ્થાનિક ફસાયા હતા. તેઓને બચાવવા ગયેલો SDRFનો એક જવાન પણ પ્રવાહમાં ફસાયો હતો. SDRFની ટીમે જીવના જોખમે ચાર લોકોનું  રેસ્ક્યૂ કર્યું હતું. 




દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા છાપરી ગામે બે કાચા મકાન ધરાશાયી થયા છે.  સદનસિબે કોઈ જાનહાની  થઈ નથી.એક વ્યક્તિ ફસાઈ જતા સહીસલામત બહાર કઢાયો હતો . પરંતુ મકાન ધરાશાયી થતા માલસામાનને ભારે નુકસાન થયું છે. 


દાહોદ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થતા દુધમતી નદીમાં ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. વનખંડી અને ઓમકારેશ્વર સાંઈ ધામ મંદિરમાં પાણી ભરાયા હતા. હડફ નદીમાં પણ  નવા નીર આવ્યા છે. કેદારનાથ મહાદેવ મંદિરમાં ધોધ જેવા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા. 


આગામી 24 કલાકને લઈ  હવામાન વિભાગની આગાહી


હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ ફરી એક વખત આગાહી કરાઈ છે.  આગામી 24 કલાક વરસાદને લઈ  હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ખેડા, અરવલ્લી , મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 


હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ અને વડોદરામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેંજ એલર્લ્ટ આપ્યું છે.  કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત અને તાપીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 


છોટાઉદેપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ


 છોટાઉદેપુરમાં  ધોધમાર વરસાદ વરસ્યો છે. વીજ કચેરીમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. મેઘરાજાના આગમનને લઈ જિલ્લાના 18 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. 
 
સતત વરસી રહેલા વરસાદને લઈ છોટાઉદેપુરના ધડાગામ પાણીમાં ગરકાવ થયું છે.  લો લેવલનો કોઝવે પાણીમાં ડૂબ્યો છે.  ગામમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ બંધ થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.  ભારે પાણીના પ્રવાહના કારણે રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મૂકાયા છે.