ગાંધીનગર: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. બપોરે 2થી 4 વાગ્યા સુધીમાં 62 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં ભાવનગરના મહુવા પંથકમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભુજપમાં 2 અને સાણંદમાં પોણા 2 ઈંચ વરસાદ વરસ્યો છે. આણંદ અને લખતરમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. મહેસાણા શહેરમાં 2 કલાકમાં દોઢ ઈંચ જ્યારે અમદાવાદના દસક્રોઈમાં પણ સવાઈંચ વરસાદ વરસ્યો છે.
અમરેલીના રાજુલા, સિદ્ધપુરમાં સવા ઈંચ, પલસાણા, વાલોડ, વડિયામાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ગાંધીનગરના માણસામાં એક ઈંચ, મહેસાણાના જોટાણા, કડીમાં પોણો ઈંચ, અને ડભોઈ, પોશીનામાં અડધો-અડધો ઈંચ વરસાદ વરસ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં પણ મેઘમહેર થઈ છે. બીજા દિવસે પણ જિલ્લામાં વરસાદી વાતાવરણ યથાવત છે. ધાનેરા પંથકમાં ફરી એકવાર મેઘો મહેરબાન થયો છે. ધાનેરાના ખિમત,આલવાડા,વાંછડલા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અમીરગઢ પંથકમા ધોધમાર વરસાદ વરસ્યો છે. ઇકબાલગઢ ના માર્કેટયાર્ડમાં વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદને પગલે હાઇવે અને નીચાણવાળા વિસ્તારોમા પાણી ભરાયા હતા. 3 દિવસની આગાહીને પગલે જિલ્લામા વરસાદી માહોલ છે.
ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 107.6 ટકા વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ કચ્છમાં 165.58 ટકા વરસાદ, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 115.54 ટકા વરસાદ વરસ્યો છે. ચોમાસાની સિઝનમાં સૌથી ઓછો પૂર્વ મધ્ય ગુજરાતમાં 87.90 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 96.27 અને ઉત્તર ગુજરાતમાં સરેરાશ 114.29 ટકા વરસાદ વરસ્યો છે.
અમદાવાદ શહેરમાં વરસ્યો વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે સતત ત્રીજા દિવસે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના એસ.જી. હાઈવે, પ્રહલાદ નગર, ઈસ્કોન અને શ્યામલ ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ. સાયન્સ સીટી, બોપલ ઘુમા, પકવાન, થલતેજ, બોડકદેવ, શીલજ સહિત અનેક વિસ્તારમાં પણ જોરદાર પવન સાથે વરસાદ ખાબક્યો છે. અમદાવાદના ગોતા, સોલા, સરખેજ, સેટેલાઈટ અને આનંદનગર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરના મણિનગર, ઈસનપુર અને ખોખરા સહિતના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો છે. કોર્પોરેટ રોડ અને રામદેવનગર સહિત અનેક વિસ્તારમાં વરસાદના કારણે વરસાદી પાણી ભરાયા છે. વાહનચાલકો અને રાહદારીઓની પાણી ભરાતા હાલાકી વધી છે.
અમદાવાદ કોર્પોરેશના પાપે પાણીમાં વેજલપુરનો વિકાસ ગરકાવ થયો છે. થોડા વરસાદમાં વેજલપુરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. લોકોના ઘરમાં અને દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા. રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વર્ષોથી ચોમાસામાં વેજલપુર વિસ્તારમાં પાણી ભરાય છે છતાં પ્રશાસન નથી કરતું કોઈ નક્કર કામગીરી.