Mumbai Rains Update: મુંબઇમાં સોમવાર  18 ઓગસ્ટ સવારથી મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે પહેલાથી જ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. દરમિયાન, મ્યુનિસિપલ કોર્પોરેશને શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી છે.

IMD અનુસાર, સોમવારે 9 કલાકમાં મુંબઈના ઘણા ભાગોમાં 1૦૦ મીમીથી વધુ વરસાદ પડ્યો હતો. પૂર્વીય ઉપનગર વિક્રોલીમાં સૌથી વધુ 135 મીમી વરસાદ પડ્યો હતો. ખરાબ હવામાનને કારણે ઘણી ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી, કેટલાક વિમાનોને એરપોર્ટ પર ઉતરતા પહેલા ફરીથી આકાશમાં ચક્કર લગાવવા પડ્યા હતા અને એક ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં આવી હતી.

મહારાષ્ટ્રમાં વરસાદને કારણે 12 લોકોના મોત

મહારાષ્ટ્રમાં વરસાદને કારણે 12 લોકોના મોત થયા છે. નાંદેડ જિલ્લામાં પૂરને કારણે 9 લોકોના મોત થયા છે. મુંબઈમાં દિવાલ પડવાથી એક વ્યક્તિનું મોત થયું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રી ગિરીશ મહાજને જણાવ્યું હતું કે રાજ્યના અન્ય ભાગોમાંથી વધુ બે લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં વરસાદના કારણે અત્યાર સુધીમાં 12નાં મોત થાય છે

મુંબઈ લોકલ ટ્રેન અપડેટ

મુંબઈ વિસ્તારમાં ભારે વરસાદ અને પાણી ભરાઈ જવાને કારણે, CSMT અને થાણે સ્ટેશન વચ્ચે મુખ્ય લાઇન ટ્રેન સેવાઓ આગામી સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે. થાણે અને કરજત, ખોપોલી અને કસારા સ્ટેશનો વચ્ચે શટલ સેવાઓ ચલાવવામાં આવી રહી છે.

બાળકોની સ્કૂલ બસ 1૦ કલાક સુધી અટવાઈ પાણીમાં

સતત વરસાદને કારણે, સોમવારે અડધા દિવસના વર્ગો પછી શહેરની સ્કૂલો અને કોલેજો બંધ રાખવામાં આવી હતી. મ્યુનિસિપલ બોડીએ જણાવ્યું હતું કે IMDની અત્યંત ભારે વરસાદની આગાહીને કારણે મંગળવારે શાળા કોલેજ બંધ કરાવનો નિર્ણય લેવાયો છે.  છ બાળકો અને બે મહિલા કર્મચારીઓને લઈને જતી એક સ્કૂલ બસ માટુંગા પોલીસ સ્ટેશન નજીક રસ્તા પર પાણી ભરાઈ જવાથી ફસાઈ ગઈ હતી. બસ લગભગ એક કલાક સુધી અટવાઈ રહી હતી.

મુંબઈની રફતાર પર બ્રેક

મ્યુનિસિપલ કોર્પોરેશને જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે મુંબઈને પાણી પૂરું પાડતા સાતમાંથી છ તળાવો છલકાઈ ગયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, વાકોલા બ્રિજ, હયાત જંકશન અને ખાર સબવે પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ટ્રાફિક ધીમો પડી ગયો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યભરમાં વરસાદ અને પૂરની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે મંત્રાલય કંટ્રોલ રૂમમાં સમીક્ષા બેઠક બોલાવી હતી.

ઘણી જગ્યાએ 200 મીમીથી વધુ વરસાદ

છેલ્લા 24 કલાકમાં મુંબઈના ઘણા ભાગોમાં 200 મીમીથી વધુ વરસાદ પડ્યો છે, જેમાં પૂર્વીય ઉપનગરોના વિક્રોલીમાં સૌથી વધુ 255.5 મીમી વરસાદ નોંધાયો છે. સાંતાક્રુઝ ઓબ્ઝર્વેટરીમાં 238.2 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે કોલાબા ઓબ્ઝર્વેટરીમાં 110.4 મીમી વરસાદ નોંધાયો છે.