Porbandar rain: પોરબંદર તાલુકાના બરડા વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. ગઈકાલ સવારથી આજ સવારના આઠ વાગ્યા સુધીમાં 24 કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ પડતા વાડી ખેતરો રસ્તાઓ પાણીથી છલોછલ અને નદી નાળા તેમજ વોકળા ચેક ડેમો ઉપરથી પાણી વહેતા થયા હતા.

હાલમાં એકાદ મહિનાથી વરસાદ ખેંચાયો હતો અને ખેડૂતોના જીવ અધર ચડી ગયેલ પરંતુ છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામતા બે દિવસ છુટા છવાયા વરસાદી ઝાપટા આવી રહેલ અને ગઈકાલેથી મેઘરાજાએ બરડા વિસ્તારમાં વરસવાનું ચાલુ કરતા બગવદર, ભારવાડા, કિદરખેડા, મોઢવાડા, વડાળા, આબારામા વિગેરે ગામોમાં સવારથી સારો વરસાદ પડ્યો છે.

તો બરડા ડુંગર નજીક આવેલ બખરલા, કાટવાણા, ગોઢાણા, નાગકા વિગેરે ગામોમાં ગઈકાલે સવારમાં ઓછો વરસાદ થયેલ પરંતુ ફરીથી સાંજે 6:00 વાગ્યાથી સમગ્ર બરડા વિસ્તારમાં તમામ ગામોમાં સારો એવો વરસાદ થયેલ છે અને 24 કલાકમાં છ થી આઠ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ અત્યારે મઘા નક્ષત્ર ચાલી રહ્યું છે અને મઘા નક્ષત્રમાં વરસાદ આવે તે કાચું સોનુ ગણાય છે કારણ કે પાક ઉજરી રહેલ હોય અને મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો સારો ગણાય.

આ વર્ષે ચોમાસુ પાકમાં કોઈ જાતની જીવાત કે અન્ય ઉપદ્રવ ન હોવાથી અત્યારે પાકની સ્થિતિ ખૂબ જ સારી જોવા મળે છે. ઉપરાંત આજે ધોધમાર વરસાદ થવાથી બરડા ડુંગર ઉપરથી પાણી વહેતું હોય જાણે ડુંગર ઉપરથી નદી આવતી હોય તેવા રમણીય દ્રશ્ય જોવા મળ્યા હતા અને ગોઢાણાથી ખીસ્ત્રી જતા રોડ ઉપર પણ નદી વહેતી હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા.

સૂર્ય રન્નાદે મંદિર પાસે આવેલ વોકળામાં ચેકડેમ ઉપરથી પાણી વહેતું હોય ખૂબ જ સુંદર નજારો જોવા મળ્યો હતો. ઉપરાંત બગવદરથી વાછોડા જતા રસ્તે રોડ વચ્ચેથી ખેતરોના પાણી વોકળામાં જતા વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી હતી.

ત્રણ ડેમ ઓવરફ્લો

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે, જેના કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેના પગલે સ્થાનિક અને ઉપરવાસના વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે.

ત્રણ ડેમ ઓવરફ્લો, નદીકાંઠાના ગામો એલર્ટ પર

પોરબંદર જિલ્લા અને ઉપરવાસના વિસ્તારોમાં થયેલા ભારે વરસાદના કારણે જિલ્લાના જળાશયોમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. પરિણામે, જિલ્લાના કુલ આઠ ડેમમાંથી ત્રણ ડેમ 100 ટકા ભરાઈને ઓવરફ્લો થયા છે. ખાસ કરીને, અમીપુર, સારણ અને સોરઠી ડેમ છલકાઈ જતાં તેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. આ ઉપરાંત, ફોદાડા ડેમ 70%, ખંભાળા ડેમ 60%, અડવાણા ડેમ 28%, કાલિન્દ્રી ડેમ 42% અને રાણાખીરસરા ડેમ 64% જેટલો ભરાયેલો છે.

શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા, અનેક જગ્યાએ નુકસાન

શહેરની વાત કરીએ તો, જૂની કોર્ટ કમ્પાઉન્ડમાં ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે કામકાજ અટકી પડ્યું છે. દ્વારકા રોડ પર આવેલી એક હોટલમાં પણ વરસાદી પાણી ઘૂસી જતાં ફર્નિચર અને અન્ય માલસામાનને વ્યાપક નુકસાન થયું છે. ભારે પવન સાથેના વરસાદને કારણે બિરલા રોડ પર એક વિશાળ વૃક્ષ ધરાશાયી થયું છે, જેના કારણે માર્ગ અવરોધાયો છે. આ ઉપરાંત, સલામતીના ભાગરૂપે લોકમેળો બંધ કરી દેવામાં આવ્યો છે અને શહેરના અનેક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ છે, જેના કારણે નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સમગ્ર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ યથાવત છે અને તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.