Gujarat Rain Forecast:ચોમાસાની વિદાય વચ્ચે હજુ પણ રાજ્.માં વરસાદ વરસશે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર- દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. આજે સૌરાષ્ટ્રના છ જિલ્લામાં વરસાદની આગાહી છે. જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, મોરબીમાં વરસાદનું અનુમાન છે. ગુરૂવારે રાજ્યના 104 તાલુકામાં વરસાદ વરસ્યો. 17 તાલુકામાં એકથી ત્રણ ઈંચ સુધી વરસાદ વરસ્યો.
બંગાળની ખાડીમાં સર્જાયેલી મજબૂત સિસ્ટમના કારણે સાતમાન નોરતાથી મેઘરાજા રાજ્યને ઘમરોળી રહ્યાં છે. આ સિસ્ટમની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વર્તાઇ. છેલ્લા 2 દિવસથી સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ, ઉપલેટા, ધોરાજી, ગીરસોમાથ, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, બોટાદ, પોરબંદરમાં ધોધમાર વરસાદ વરસ્યો.
રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં પણ પાંચમા દિવસે વરસાદ વરસ્યો. ઉપલેટા શહેર અને ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી ગઇકાલે મેઘરાજાની તોફાની એન્ટ્રી થઇ હતી. મજેઠી, કુઢેચ, ગઢાળા, સેવંત્રા ગામમાં ભારે વરસાદના કારણે આસોમાં અષાઢ જેવા માહોલ જામ્યો છે. કેરાળા, મોજીરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાઇ ગયા હતા. સતત વરસાદથી ખેતીપાકોને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. કપાસ, મગફળી, સોયાબીનનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે. એરંડા, તુવેરના પાકને પણ સતત વરસાદથી નુકસાન થયું છે.
દક્ષિણ ગુજરાતમા સતત વરસેલા ભારે વરસાદના કારણે જીવાદોરી સમાન ઊકાઈ ડેમ સંપૂર્ણ ભરાઇ ગયો છે. ચાલુ સિઝનમાં પ્રથમવાર ઊકાઈ ડેમ પૂર્ણતઃસપાટી સુધી ભરાયો ગયો હતો. ઊકાઈ ડેમની જળસપાટી 345 ફૂટ પર પહોંચી છે. ડેમમાં ઉપરવાસમાંથી 40 હજાર 322 ક્યુસેક પાણીની આવક જેટલી જાવક છે . જળસ્તર વધતાં ડેમના ત્રણ ગેટ ત્રણ ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડી દેવામાં આવ્યું ચે. ઊકાઈ ડેમ સંપૂર્ણ ભરાતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ખુશી લહેર છવાઇ ગઇ છે. ઉકાઇ ડેમ સંપૂર્ણ ભરાતા એક વર્ષ સુધી સિંચાઈ અને પીવાના પાણીના પ્રશ્નનો ઉકેલ આવી ગયો છે.હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હજુ પણ 7 ઓક્ટોબર સુધી છૂટછવાયો હળવો વરસાદ વરસતો રહેશે.