અમદાવાદમાં આજે વહેલી સવારના સમયે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. વહેલી સવારના જાણે મેઘરાજા મહેરબાન થયા હોય તેમ શહેરના મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના એસજી હાઈવે, સેટેલાઈટ, વેજલપુર, મકરબા, બોડકદેવ, બોપલ, ઘુમા, સાણંદ, સાયંસ સિટી, શીલજ, થલતેજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ચાંદખેડા, ગોતા, બાપુનગર, સરસપુર, મણિનગર, વસ્ત્રાલ સહિતના પૂર્વ અને પશ્ચિમના તમામ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.


મોડીરાત્રી સુધી શહેરના અલગ- અલગ વરસાદમાં છૂટો છવાયા ધોધમાર વરસાદી ઝાપટા વરસ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો. જોકે મોડીરાત્રીના ફરી ધીમીધારે વરસાદ શરૂ થયો અને સવારના સાડા ત્રણથી ચાર વાગ્યાના અરસામાં તો ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતાં. હવામાન વિભાગે અમદાવાદમાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ વચ્ચે જ વહેલી સવારના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો.


વીજળી પડી


અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં વિજળી પડવાની ઘટના બની હતી. સ્વાગત એપાર્ટમેંટ પર વિજળી પડતા 12 ફ્લેટના વિજ ઉપકરણોને નુકસાન થયું છે. સાથે જ ઓવરહેડ વોટર ટાંકીને પણ નુકસાન થયું છે. જો કે સદનસિબે કોઈ જાનહાનીના સમાચાર નથી.


અંબાજીમાં વરસાદ


આ તરફ યાત્રાધામ અંબાજીમાં સોમવારના દિવસ દરમિયાન હળવો વરસાદ વરસ્યા બાદ મોડી રાત્રીના મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. અંબાજીમાં ધોધમાર વરસાદથી શહેરની મુખ્ય બજાર રોડ પર નદીની જેમ પાણી વહ્યા હતાં.


ભારે વરસાદે ખેડૂતોને રોવડાવ્યા


પહેલા પાણીની તંગી અને હવે ભારે વરસાદ ખેડૂતોને રડાવી રહ્યો છે. ધોધમાર વરસાદના કારણે જૂનાગઢ જિલ્લામાં કપાસના પાકને નુકસાન થતાં અન્નદાતાની આંખોમાં આંસુ આવી ગયા હતા. મુશળધાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ રહેતા કપાસનો પાક સડી રહ્યો છે. કપાસના પાકમાં રાતડનો રોગ આવી ગયો છે..ખેડૂતોનું માનીએ તો સતત 15 દિવસાથી વરસાદથી પાક સતત પાણી વચ્ચે રહ્યો છે. પાક પર પાણી લાગતાં તે બરબાદ થઇ ગયો. આ સ્થિતિમાં કપાસના પાકનું ધાર્યું ઉત્પાદન નહિ મળે એટલે કે ખેડૂતોએ જે ખર્ચ કર્યો હતો તે પણ નીકળે તેવી સ્થિતિ રહી નથી.