અમદાવાદઃ ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી આવી છે. હવમાન વિભાગ અનુસાર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.


આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં તો દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે.

14 અને 15 ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો શુક્રવારે સુરત, નવસારી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, તાપી, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં વરસી રહેલ વરસાદને કારણે મોટાભાગના ડેમમાં નવા નીર આવ્યા છે. 70 ડેમ તો હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છેતો 11 ડેમ એલર્ટ પર છે.

રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 60 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં 94.32 ટકા, દક્ષિણ ઝોનમાં 46.20 ટકા, ઉત્તર ઝોનમાં 45.17 ટકા અને સૌથી ઓછો મધ્ય-પૂર્વ ઝોનમાં 43.25 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

રાજયની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 51.32 ટકા પાણીનો જથ્થો છે. ડેમમાં હાલ 4 હજાર 842 MCFT પાણીનો જથ્થો છે. સૌરાષ્ટ્રના 140 ડેમમાં 70 ટકા કરતા વધુ પાણીનો જથ્થો છે. તો દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 65 ટકા, કચ્છના 20 ડેમમાં 40.83 ટકા, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 36.51 ટકા અને ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 26.40 ટકા પાણીનો જથ્થો છે. રાજયમાં હાલ 35 ડેમ સંપૂર્ણ ભરાયેલા છે.