દ્વારકા અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેથી આગામી 24 કલાક દરિયો ન ખેડવા માછીમારોને સૂચના આપવામાં આવી છે. 7 સપ્ટેંબરે ફરી એક સિસ્ટમ સક્રિય થવાની છે. જેથી સ્પટેંબર મહિનામાં સારો વરસાદ થવાના એંધાણ છે.
છેલ્લા 2 દિવસમાં 7 ટકા જેટલો વરસાદમાં વધારો થયો છે. ગુજરાતમાં હવે 42 ટકા વરસાદની ઘટ છે. આગામી 24 કલાકમાં હવામાન વિભાગે અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની આગાહી આપી છે.
રાજ્યમાં 49 ટકા વરસાદ
ગુજરાતમાં સતત ત્રણ દિવસથી ચાલતી મેઘકૃપા વચ્ચે કૃષિ સંકટ તથા પીવાના પાણીની સમસ્યા ઘણા અંશે હળવી થઈ છે. આ સાથે રાજ્યનો સરેરાશ વરસાદ 49 ટકા થયો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યના 13 તાલુકાઓમાં હજુ બે થી પાંચ ઈંચ જેટલો જ વરસાદ છે.
જો કે મેઘ મહેરથી કૃષિક્ષેત્ર પર સર્જાયેલુ સંકટ પણ ઘણા અંશે તણાઈ ગયુ છે. જુનાગઢ, સુરેન્દ્રનગર, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી કચ્છ, સહિતના લગભગ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વરસાદને કારણે સુકાતા ખરીફ પાકને નવજીવન મળી ગયું છે. નદી-નાળા-ડેમોમાં પણ નવા પાણી આવવાની સાથોસાથ તળ પણ જીવંત થતા ઘણી રાહત થઈ છે.
અમરેલી તાપીના ત્રણ ડેમ સંપૂર્ણ ભરાયા
લાંબા વિરામ બાદ રાજ્યના અનેક વિસ્તારમાં સારો એવો વરસાદ થતા ડેમોમાં નવા નીરની આવક થઈ છે. પરંતુ ચિંતાજનક વાત એ છે કે, રાજ્યના 15 ડેમમાં ટીપુય પાણી નથી. જો કે અમરેલી જિલ્લાનો ધાતરવાડી ડેમ સંપૂર્ણપણે ભરાયો છે. આ ઉપરાંત આ જ વિસ્તારમાં ધાતરવાડી-2 ડેમમાં છલકાયો છે. જયારે તાપી જિલ્લામાં આવેલાં દોસવાડા ડેમ પણ સંપૂર્ણ ભરાયો છે.
બોટાદ જિલ્લામાં ખંભાડા ડેમમાં હાલ 94 ટકા પાણીનો જથ્થો છે. જયારે મહિસાગર જિલ્લામાં આવેલા વણાકબોરી ડેમમાં 93.34 ટકા અને અમરેલી જિલ્લાના ખોડિયાર ડેમમાં 90 ટકા પાણી ઉપલબ્ધ છે. બીજી તરફ, ઉત્તર ગુજરાતમાં હજુ ડેમો ખાલીખમ છે. ઉત્તર ગુજરાતના ડેમોમાં અત્યારે માત્ર 23.63 ટકા જ પાણી છે. જો હજુ વરસાદ નહી આવે તો આગામી દિવસોમાં પાણીની ખેંચ વર્તાઇ શકે છે.