ગાંધીનગર: રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના ડીજીપી વિકાસ સહાય દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં જણાવાયું છે કે આવતીકાલથી એટલે કે 11 ફેબ્રુઆરીથી તમામ સરકારી કર્મચારઓએ હેલ્મેટ પહેરવું ફરજીયાત રહેશે. 

રાજ્યના પોલીસવડા દ્વારા જાહેર કરવામાં આવેલા આ પરિપત્રમાં લખવામાં આવ્યું છે કે, ગુજરાત રાજ્યના તમામ સરકારી અધિકારી-કર્મચારીઓ રાજ્યના જવાબદાર નાગરિક તરીકે ઓળખ ધરાવે છે. તેઓ બીજા નાગરિકો માટે રોલ મોડલ બને તેવી તેમની પાસે અપેક્ષા રાખવામાં આવે છે. સરકારી કર્મચારીઓ દ્વારા તમામ નિયમોનું પાલન થાય તે અપેક્ષિત છે અને જરુરી પણ છે.  

 

અસરકારક કાર્યવાહી કરાવવા સુચના

ગુજરાત રાજ્યમાં હેલ્મેટના નિયમનું અમલીકરણ કરાવવું ખૂબ જરુરી છે કે જેથી રોડ અકસ્માતના કારણે થતા મૃત્યુ અને ગંભીર ઈજાઓ ઉપર અંકુશ લાવી શકાય. ગુજરાત રાજ્યમાં હેલ્મેટના નિયમનો અમલ રાજ્યના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ કરે તે માટે આવતીકાલ તારીખ. 11-02-2025થી ગુજરાત રાજ્યના તમામ સરકારી કચેરીઓના પ્રવેશદ્વાર પાસે ટ્રાફીક પોલીસનું ડીપ્લોયમેન્ટ કરી અસરકારક કાર્યવાહી કરાવવા સુચના છે. 

અત્રેની કચેરીના સ્ટેટ ટ્રાફીક બ્રાન્ચના પોલીસ મહાનિરીક્ષક દ્વારા આ કામગીરી ઉપર રોજે રોજ સુપરવિઝન અને મોનીટરીંગ રાખવા અને થયેલ કાર્યવાહીથી અમોને સમયાંતરે માહિતગાર કરવા સુચના આપવામાં આવે છે.  

કાલથી ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને ફરજીયાત હેલ્મેટ પહેરવું પડશે. દરેક સરકારી કચેરીઓ પર આવતીકાલથી પોલીસ તૈનાત રહેશે. ટ્રાફિક પોલીસ ઓફિસના ગેટ પર નિયમોનું પાલન કરાવશે. DGP વિકાસ સહાયે આ અંગે આદેશ આપ્યા છે. 

સરકારે એક પરિપત્રમાં જણાવ્યું કે, રાજ્યમાં વધતા જતા માર્ગ અકસ્માતો અને તેનાથી થતી ગંભીર ઇજા અને મૃત્યુના બનાવો ધ્યાને લેતાં માર્ગ સલામતી, લોકજાગૃતિ તથા ટ્રાફિક નિયમોનું પાલન અત્યંત જરુરી છે. દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટનો ઉપયોગ એ કાયદાનું પાલન ઉપરાંત વ્યક્તિની સુરક્ષા સુનિશ્ચિત કરે છે.