અમદાવાદ: મોરબીપૂલ દુર્ઘટનાને લઈને હાઇકોર્ટેમાં જાહેર હિતની અરજી પર સુનાવણી થઇ હતી. મોરબી પૂલ દુર્ઘટનામાં સરકારે જાહેર કરેલી સહાય રકમથી ગુજરાત હાઈકોર્ટ નારાજ થઈ છે અને જણાવ્યું છે કે ઘરમાં એકમાત્ર કમાનાર અને મોતને ભેટનાર યુવકોના પરિવારને 4 લાખ નહીં 10 લાખનું વળતર ચુકવવું જોઈએ. હવે આ કેસમાં 12 ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે. હાઈકોર્ટે નોંધ્યું છે કે, 30 થી 40 વર્ષના ઘણા લોકોએ જીવ ગુમાવ્યા. ગુજરાત હાઈકોર્ટે કહ્યું, મૃતકોને 4 લાખનું વળતર પૂરતું નથી. અમને સંતોષ નથી. કોર્ટે પ્રાથમિક રીતે કહ્યું, સરકારે ઓછામાં ઓછું 10 લાખ વળતર ચૂકવવું જોઈએ. કોર્ટે પૂછ્યું, મૃતકોની જ્ઞાતિ જાતિ લખવાની શું જરૂર છે ? તમામ મૃતકો સમાન રીતે જ ગણાય.
10 લાખ વળતર ચૂકવવું જોઈએ
કોર્ટે પ્રાથમિક રીતે કહ્યું, સરકારે ઓછામાં ઓછું 10 લાખ વળતર ચૂકવવું જોઈએ. કોર્ટે પૂછ્યું મૃતકોની જ્ઞાતિ જાતિ લખવાની શું જરૂર છે? તમામ મૃતકો સમાન રીતે જ ગણાય. માતા અને પિતા બંને ગુજરી ગયા હોય એવા બાળકોને પ્રતિ મહિને 3 હજારનું વળતર સરકાર ચૂકવશે. કોર્ટે કહ્યું, 3000 રુપિયામાં બાળકના સ્કૂલના યુનિફોર્મ અને પુસ્તકો પણ નહિ આવે. આ વળતર પૂરતું નથી.
મોરબીના રાજવી પરિવારે તમામ મૃતકોને 1 લાખ વળતર ચૂકવ્યું છે. માતા પિતા બંને ગુજરી ગયા હોય એવા કુલ 7 બાળકો, જેમને મુખ્યમંત્રી રાહત કોષ, પ્રધાનમંત્રી રાહત કોષ અને ખાનગી દાતાઓ થકી મળેલા દાનમાં પ્રતિ બાળકને 37 લાખ રૂપિયા ચૂકવાશે. આમાં અદાણી ફાઉન્ડેશન તરફથી પ્રતિ બાળક 25 લાખ અપાયા છે.
રાજ્યના તમામ બ્રિજનો સર્વે કરવામાં આવે
હાઇકોર્ટનો સરકારને મહત્વનો હુકમ રાજ્યના તમામ બ્રિજનો સર્વે કરવામાં આવે. અને તમામ બ્રિજ યુઝ કરવા માટે ફિટ છે એ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવે. જે બ્રિજ માં મરમ્મત કરવાની હોય એ તત્કાલ કરવામાં આવે. 10 દિવસમાં આ કામગીરી પૂર્ણ કરી રિપોર્ટ કરવા કોર્ટે હુકમ કર્યો છે. જો ઘાયલ થનાર વ્યક્તિને મોટી હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોય ત્યાં રાજ્ય સરકાર તરત પગલાં લે અને તેમને યોગ્ય સારવાર અપાવે.
ઓરેવા ગ્રુપના સંચાલકો સામે શું પગલા લેવાયા? કોર્ટે મોરબી નગરપાલિકા ને પૂછ્યું સાડા પાંચ વર્ષ સુધી કોઈ એગ્રીમેન્ટ વિના ઑરેવા ગ્રુપને બ્રિજ ને વાપરવા કેમ દીધો ? શા માટે પાંચ પાંચ વર્ષ સુધી ચૂપ રહ્યા? SIT ની તપાસનો રિપોર્ટ કોર્ટમાં સીલ કવર માં રજૂ કરવામાં આવે. SIT ની તપાસ યોગ્ય ન લાગે તો હાઇકોર્ટ અન્ય એજન્સીને તપાસ સોંપી દેશે.
બ્રિજની મરામત માટેના કોન્ટ્રાક્ટ અને એ અંગેના પત્ર વ્યવહારમાં મોરબી નગર પાલિકા અને ઓરેવા ગ્રુપને ટિકિટના ભાવમાં જ રસ હોય એવું તેમની વચ્ચેના પત્ર વ્યવહારથી ફલિત થાય છે. બ્રિજની દશા અને જોખમ મુદ્દે ચિંતાના હોય એવું પણ દેખાઈ આવે છે. આટલી મોટી દુર્ઘટના બાદ પણ મોરબી નગરપાલિકાને સુપર સીડ કેમ નથી કરી ? જો સરકાર પોતાની સત્તા નહિ વાપરે તો કોર્ટ રીટ ઈશ્યુ કરશે. 12 ડિસેમ્બર ના રોજ સુનાવણી હાથ ધરાશે.