અમદાવાદ: રાજ્યમાં  ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  ગુજરાતમાં સૌથી વધુ 42.8 ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું છે. ગુજરાતના કુલ 14 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. ડીસા 41.6, ગાંધીનગર 41.2, વલ્લભ વિદ્યાનગર 41.9, ભુજ 42.4  ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Continues below advertisement


સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો 


આ સિવાય વડોદરામાં 41.2 ડિગ્રી તાપમાન,  નલિયામાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલીમાં 41.6 ડિગ્રી, પોરબંદરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજકોટમાં 42.3 ડિગ્રી અને કેશોદમાં 41.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. 


ગુજરાતમાં હીટવેવની શક્યતા 


આવતીકાલે પણ ગુજરાતમાં હીટવેવની શક્યતા છે. આવતીકાલે અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને સુરતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને રાજકોટમાં પણ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. પોરબંદર, ભાવનગર અને સાબરકાંઠામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજ યુક્ત હવામાન રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.


અંબાલાલ પટેલની આગાહી 


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ગરમીની સ્થિતિને લઇને આગામી દિવસનું આંકલન કરતાં આગાહી કરી છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ રાજ્યમાં હજુ તાપથી  ચાર દિવસ રાહત નહીં મળે.  મહત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો હોવાથી ગરમીનું પ્રમાણ વધ્યું છે. 15 માર્ચ બાદ ગરમીમાં ઘટાડાનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે. મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 34થી 36 ડિગ્રી રહેવાની શક્યતા છે.  હોળીના દિવસોમાં કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણની શક્યતા છે.  હોળીએ પવનની ગતિ 20 કિમી કલાકની રહેવાની શક્યતા છે, ઉત્તર ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 40 કિમી કલાકની રહેવાની શક્યતા છે.


હવામાન વિભાગે શું કરી આગાહી ?


ઉનાળાની શરૂઆત થતાંની સાથે હવામાન વિભાગે  હિટવેવની આગાહી કરી છે.  હવામાન વિભાગે રાજ્યના 9 જિલ્લામાં આજે ગરમીનું રેડ એલર્ટ આપ્યું છે. અમદાવાદમાં 42 તો સૌરાષ્ટ્રમાં 43 ડિગ્રીએ પારો પહોંચવાની શક્યતા છે. હજુ બે દિવસ આકરી ગરમીથી રાહતની કોઈ શક્યતા નથી. અમદાવાદ, સુરત, રાજકોટ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, જૂનાગઢ, પોરબંદરમાં ગરમીનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અંગ દઝાડતી ગરમીને લઈ સોમવારે રાજ્યના 17 શહેરમાં ગરમીનો પારો 39 ડિગ્રીને પાર થઇ ગયો હતો.