ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના ભોજદે ગીરના ફાર્મહાઉસમાંથી કરોડો રુપિયાની છેતરપીંડી કરનારા બે આરોપીઓ ઝડપાયા છે.  હિમાચલ પ્રદેશમાં 18 કરોડની ક્રિપ્ટો કરન્સીની છેતરપીંડી કરનાર બંને આરોપીને પોલીસે ઝડપી લીધા છે.  ભોજદે ગીરના કપુરીયા સીમમાં ખાનગી ફાર્મહાઉસ આરોપીઓ છૂપાયા હતા.ગીરસોમનાથ LCB એ શંકાસ્પદ હીલચાલના પગલે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે.  પોલીસે બંને આરોપીઓને હિમાચલ પ્રદેશ પોલીસના હવાલે કર્યા છે.  જ્યારે બંને આરોપીઓને આધાર ઓળખ પુરાવા વગર ફાર્મહાઉસમાં રૂમ ભાડે આપનાર  ફાર્મ હાઉસના સંચાલક ભીખાભાઈ મકવાણા વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 




સમગ્ર અહેવાલ અનુસાર, હિમાચલ પ્રદેશ રાજ્યના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં બનેલ ક્રિપ્ટો કરન્સી સ્કેમના ગુન્હાઓની તપાસ કરવા માટે હિમાચલ પ્રદેશ રાજ્ય દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી હતી. આવા ગુન્હાના આરોપીઓ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં છુપાઈને રહેતા હોવાની શક્યતા હોય એસઆઈટીના સભ્યો દ્વારા ગીર સોમનાથ જિલ્લા પોલીસવડાને ટેલીફોનિક જાણ કરી આરોપીઓને શોધી કાઢવા મદદ માંગી હતી. જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડીયા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ એક ખાસ ટીમ બનાવી હતી.  હિમાચલ પ્રદેશ એસઆઈટી તરફથી આરોપીઓના ફોટોગ્રાફ વગેરે માહિતીના આપવામાં આવી હતી. 


પોલીસને બાતમી મળી હતી


જે અનુસંધાને પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગી બાતમીદારો દ્વારા હિમાચલના વતની અને હિંદી ભાષા બોલતા ઈસમો અંગે પોલીસને બાતમી મળી હતી. તાલાલાના ભોજદે ગામની કપુરીયા સીમ વિસ્તારમાં આવેલ ભીખાભાઈની વાડીએ બનાવેલ ફાર્મમાં બે ત્રણ દિવસથી આવા શંકાસ્પદ ઈસમો રોકાયા હોવાની માહિતી હતી. જેને લઈ ફાર્મમાં તપાસ કરતા આરોપીઓ કોઈ ઓળખી ન શકે તે માટે વાળ કપાવીને મુંડન કરાવી દાઢી મૂંછ કાઢી નાખ્યા હોય તેમને ઝડપી હિમાચલ પ્રદેશ પોલીસને સોંપી આપવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 


ફાર્મહાઉસ સંચાલક સામે પણ ગુન્હો દાખલ


તેમજ ફાર્મ હાઉસમાં સંચાલક દ્વારા આવા બહારના રાજ્યના ઈસમોને કોઈપણ જાતના આધાર પૂરાવા વગર રજીસ્ટરમાં એન્ટ્રી વગર રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવતા તેમની વિરુદ્ધમાં પણ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 


આરોપીઓના નામ


પકડાયેલા આરોપીઓના નામ હેમરાજ ઉંવ 45 રહેવાસી ગામ છનવાહી પોસ્ટ તીલી તાલુકો તીલી જિલ્લો મન્ડી હિમાચલ પ્રદેશ છે. જ્યારે અન્ય એક આરોપી સુખદેવ ઉંવ 44 રહે કૌશલ પોસ્ટ પેહડ તાલુકો ધરમપુર જિલ્લો મન્ડી હિમાચાલ પ્રદેશ છે.