ગાંધીનગરઃ કોરોનાના વધતા સંક્રમણ અને કેસોમાં નોંધાયેલા જેરદાર ઉછાળાના કારણે રાજ્ય સરકારે વધુ એક મોટો નિર્ણય લઈને વધુ એક પ્રતિબંધ ફટકારી દીધો છે. ગુજરાતની વિજય રૂપાણી સરકારે રાજ્યમાં હોળી ધૂળેટીની ઉજવણી ઉપર પ્રતિબંધ લગાવ્યોછે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં શનિવારે મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ હોળી પ્રગટાવવાની અને દર્શન કરવા માટેની સરકાર અનુમતિ આપશે પણ નાગરિકો હોળી ધુળેટીની ઉજવણી નહીં કરી શકે. એટલું જ નહીં પણ અત્યાર સુધી જે નિયમો લાગુ કરવામાં આવ્યા છે તે નિયમોનો કડક રીતે અમલ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. ગુજરાતમાં હોળી-ધૂળેટીના તહેવારોમાં પોલીસ પ્રશાસનને સૂચના આપીને નિયમનું કડકાઈથી પાલન કરવામાં આવશે તેવી જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી છે.
નાયબ મુખ્યમંત્રીએ આજે હોળી પર્વની ઉજવણી મુદ્દે સ્પષ્ટતા કરતા કહ્યું કે, મહામારીના સમયમાં લોકોના એકઠા થવાથી સંક્રમણ વધે છે. ત્યારે આ વર્ષે હોળી પર્વમાં હોળી પ્રગટાવવાની મંજૂરી મળશે પરંતુ ધૂળેટીના દિવસે રંગોત્સવ મનાવવા માટે સરકારે પ્રતિબંધ લગાવ્યો છે.
આગામી 28 માર્ચે હોળી અને 29 માર્ચે ધૂળેટી છે. નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે આ મુદ્દે જાહેરાત કરતા જણાવ્યું કે, લોકો હોળીનું પ્રાગટ્ય કરી શકશે અને દરેક મહોલ્લા, શેરીમાં સંપૂર્ણ વિધિ વિધાન કોવિડની ગાઇડલાઇનનું પાલન કરતા હોળી પ્રગટાવી શકાશે પરંતુ ઘૂળેટીના દિવસે રંગોત્સવ મનાવવા પર રાજ્ય સરકારે પ્રતિબંધ મૂક્યો છે. નાયબ મુખ્યમંત્રીએ આ મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, હોળીના પ્રાગટ્ય સમયે પણ સામાજિક અંતર અને માસ્ક સહિતના કોવિડના નિયમોને અનુસરવું જરૂરી રહશે.
ગુજરાતમાં કોરોનાનું શું છે ચિત્ર
રાજ્યમાં કોરોના બેકાબૂ થયો છે. સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે રાજ્યમાં 1565 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 6 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે. શનિવારે રાજ્યમાં 969 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,74,249 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.08 ટકા પર પહોંચ્યો છે. હાલ 6737 એક્ટિવ કેસ છે, જેમાંથી 69 લોકો વેન્ટિલેટર પર અને 6668 લોકો સ્ટેબલ છે.