પોરબંદરઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે. ત્યારે પોરબંદરના બરડા પંથકના ફટાણા ગામે વીજળી પડતા મકાન ધરાશાઈ થયું હતું. જોકે, મકાનમાં કોઈ રહેતું ના હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.


પોરબંદર શહેર માં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરક થઈ ગયા હતા. કોળીવાડ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતા આ વિસ્તારમાં પણ અનેક મકાનોમાં પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરી ને નુકાશાન થયું હતું. રાત્રીના સમયે વરસાદી પાણી ઘરમાં ઘુસવા લાગ્યા હતા, જેને કારણે આખી રાત લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં નગર પાલિકા નિષ્ફળ રહેતા આ સ્થિતિ સર્જાઇ હતી. પાલિકાની બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.