અમદાવાદઃ આજે ગુજરાતમાં વધુ એક પરીક્ષા છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ની ડેપ્યુટી સેક્શન ઓફિસર્સ (DySO)ની પરીક્ષા યોજાઈ રહી છે. આ પરીક્ષા માટે 2.34 લાખ ઉમેદવારો નોંધાયા છે. જેના માટે ખાસ તૈયારીઓ પણ કરવામાં આવી છે. બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં થયેલા ગેરરીતિના કેસોને ધ્યાનમાં રાખીને કેટલાક ખાસ તકેદારીના પગલા ભરવામાં આવી શકે છે. પરીક્ષાર્થીઓને બંધ ફોન પણ પરીક્ષા સેન્ટર સુધી જવા દેવામાં નહીં આવે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.


ડેપ્યુટી નાયબ સેક્શન ઓફિસર વર્ગ-3ની 154 જગ્યા માટે આજે યોજાઈ રહેલી પ્રિલિમનરી પરીક્ષા માટે 32 જિલ્લાના 902 સેન્ટર્સ પર પરીક્ષા યોજવામાં આવશે. પ્રિલિમનરી પરીક્ષાની 2 કલાકની 200 માર્કની પરીક્ષા લેવામાં આવશે. 11 વાગે આ પરીક્ષા શરૂ થશે.

અગાઉની પરીક્ષામાં બનેલા ગેરરીતિના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને પરીક્ષા કેન્દ્રો પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સાથે સ્થાનિક મીડિયામાં એવા અહેવાલો પણ આવ્યા છે કે, આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને સ્વીચ ઓફ કરેલા ફોન લઈ જવાની પણ મંજૂરી આપવામાં નહીં આવે.