Hrishikesh Patel PMJAY launch: ગુજરાતના નાગરિકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલી આરોગ્ય વિષયક સેવા સુવિધાઓનું એક જ છત્ર હેઠળ મોનિટરિંગ અને સર્વગ્રાહી સમીક્ષા થઈ શકે તે માટે ગાંધીનગર ખાતે અદ્યતન 'આરોગ્ય સમીક્ષા કેન્દ્ર' તૈયાર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય સેવાઓને સુદૃઢ, સરળ અને લોકઉપયોગી બનાવીને જનસુખાકારીમાં વધારો કરવાના સતત પ્રયાસોના ભાગરૂપે આ કેન્દ્રનું નિર્માણ થયું છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે આગામી ૫મી જૂનના રોજ આ નવનિર્મિત આરોગ્ય સમીક્ષા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવશે.
આરોગ્ય સમીક્ષા કેન્દ્રની મુખ્ય કામગીરી અને સુવિધાઓ
આરોગ્ય સમીક્ષા કેન્દ્ર, આરોગ્ય વિભાગની અલગ અલગ શાખાઓ દ્વારા અમલીકૃત આરોગ્યલક્ષી કાર્યક્રમો અને સેવાઓનું સંકલિત રીતે એક જ સ્થાનેથી નિયમિત ફોલો અપ, નિયત લક્ષ્યાંકોને સિદ્ધ કરવા સમીક્ષા અને જિલ્લાવાર સેવાઓથી વંચિત રહેલા લાભાર્થીઓ સુધી પહોંચવા માટેનું ત્વરિત ફિડ બેક માળખું પૂરું પાડશે.
કેન્દ્રમાં કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે?
- સંકલિત ડિજિટલ ડેટાબેઝ અને ડેશબોર્ડ: આરોગ્યલક્ષી કાર્યક્રમોની સમીક્ષા માટે તમામ પ્રોગ્રામ્સના ડેટાબેઝનું સંકલન કરીને એક જ કેન્દ્રથી મોનિટરિંગ કરી શકાશે.
- કોલ સેન્ટર આધારિત વ્યવસ્થા: દૂર સુદૂર અને અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્યસેવાઓ તેમજ રસીકરણથી વંચિત રહેલા લાભાર્થીઓનો સીધો જ સંપર્ક કરીને તેમને આરોગ્ય સેવાઓ સાથે જોડવાની કોલ સેન્ટર આધારિત વ્યવસ્થા ઊભી કરાઈ છે. કુલ ૧૦૦ જેટલા તાલીમબદ્ધ કોલ ટેકર્સ દ્વારા લાભાર્થીઓને પરામર્શ, સલાહ, સૂચન અને માર્ગદર્શન પૂરા પાડવામાં આવશે.
- હેલ્પલાઇન નંબર્સ: PMJAY હેલ્પલાઇન અને હેલ્થ હેલ્પલાઇન નંબર ૧૦૪ પણ આ આરોગ્ય સમીક્ષા કેન્દ્રથી જ કાર્યરત બનશે, જેથી લોકોને ઘરે બેઠા ફોન ઉપર આરોગ્યલક્ષી યોજનાઓની માહિતી તથા સ્વાસ્થ્ય સંબંધી સલાહ, સૂચન કે પરામર્શ મળી રહેશે.
- અદ્યતન ઓડિયો વિઝ્યુઅલ્સ વ્યવસ્થા: આરોગ્ય વિભાગના મહત્ત્વના પ્રોગ્રામોમાં જિલ્લા અધિકારીઓ, કર્મચારીઓને ત્વરિત ફીડ બેક આપીને કામગીરીમાં સુધારો કરી શકાય તે માટે ઓડિયો વિઝ્યુઅલ્સ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
- આપત્તિ વ્યવસ્થાપન: કુદરતી આપત્તિઓ, રોગચાળાઓ જેવી કટોકટીની પરિસ્થિતિઓમાં રાજ્યના તમામ જિલ્લાઓને રાજ્ય કક્ષાએથી ઉચ્ચ અધિકારીઓ અને તજજ્ઞો સંકલિત રીતે ઓડિયો વિઝ્યુઅલ્સ દ્વારા પરામર્શ કરીને નીતિવિષયક નિર્ણયો અને અમલવારીની જાણ કરી શકશે.
કેન્દ્ર દ્વારા આવરી લેવાતી મુખ્ય આરોગ્ય સેવાઓ:
આરોગ્ય સમીક્ષા કેન્દ્ર દ્વારા માતા આરોગ્ય (સિકલ સેલ એનિમિયા, હૃદય/કિડનીની સમસ્યાઓ, ઓછું વજન, હિમોગ્લોબિન ધરાવતી સગર્ભાઓની સંભાળ), બાળ આરોગ્ય, ટી.બી.ના દર્દીઓની સારવાર અને ફોલો અપ, સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમનું મૂલ્યાંકન, PMJAY મા યોજનાના લાભાર્થીઓનો અભિપ્રાય (ફીડબેક), સિકલસેલ એનિમિયાના દર્દીઓ, શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત ગંભીર તીવ્ર કુપોષણ (SAM) ધરાવતા બાળકો, અને રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ જેવી મહત્વપૂર્ણ સેવાઓનું મોનિટરિંગ અને મૂલ્યાંકન કરવામાં આવશે.
આ ઉપરાંત, ૧૦૪ હેલ્થ હેલ્પલાઇન દ્વારા યોજનાકીય માહિતી, રોગ માટેની સલાહ, તાવ અને સંલગ્ન બીમારીઓની જાણકારી, આરોગ્ય સેવાઓ અંગેની ફરિયાદ, હેલ્થ એડવાઈઝ, કાઉન્સેલિંગ, ટેલિમેડિકલ એડવાઈઝ, રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેના આયુષ સૂચનો, ઘરે બેઠા દર્દીનું તબીબ સાથે કોન્ફરન્સિંગ કોલ થકી કન્સલ્ટેશન, મેડિસીન, લેબ ટેસ્ટ અને ઈ પ્રિસ્ક્રિપ્શન ફેસિલિટી જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.
આ 'આરોગ્ય સમીક્ષા કેન્દ્ર' ગુજરાતની આરોગ્ય સેવાઓને વધુ સુલભ, પારદર્શક અને કાર્યક્ષમ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, જેનાથી રાજ્યના નાગરિકોને ઉત્તમ આરોગ્ય સુવિધાઓનો લાભ મળી રહેશે.