મોરબીઃ ગુજરાત પર 18 મેના રોજ 'તૌકતે' નામનું વાવાઝોડું ત્રાટકી શકે છે. હવામાન વિભાગના અનુસાર આ અઠવાડિયાના અંતે જ આ વર્ષનું પહેલું વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. હવામાન વિભાગના મતે 13મેની સવારે દક્ષિણ પૂર્વી અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયુ. 14મે સુધીમાં વેલમાર્કથી ડિપ્રેશનમાં ફેરવાશે. ત્યારબાદ, દક્ષિણપૂર્વી અને પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં અસર વધશે અને પછી ઉતર પશ્ચિમથી વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધશે.
સૌરાષ્ટ્રમાં વાવાઝોડાના ખતરાને લઈ તંત્ર એલર્ટ થયું છે. તેમજ એક બંદર પર બે નંબર અને એક બંદર પર 2 નંબરનું સિગ્ન લગાવી દેવામાં આવ્યું છે. અરબી સમૂદ્રમાં સર્જાઇ રહેલા તૌકતે વાવાઝોડાની સંભાવનાને લઈને વેરાવળ બંદર પર ભય સૂચક સિગ્નલ નં.1 લગાવાયું છે. માછીમારોને દરીયો ન ખેડવા તેમજ સાવચેત રહેવા સૂચના અપાય છે.
નવલખી બંદરે ૨ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું. વાવાઝોડાના પગલે સાવચેતીના ભાગરૂપે સિગ્નલ લગાવવામાં આવ્યું. જો કે મોરબીના નવલખી બંદરે દરિયામાં વાવોઝોડાની નહીવત પ્રમાણમાં અસર થવાની શક્યતા છે. સાવચેતીના પગલા લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
અમરેલી, જૂનાગઢ, પોરબંદર, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વેરાવળમાં 300 બોટને દરિયા કિનારે પરત બોલાવવામાં આવી છે. કર્મચારીઓને હેડક્વાર્ટસર ન છોડવા આદેશ અપાયા છે. રાજકોટમાં NDRFની ટિમ ફાળવવામાં આવી છે. કાલે NDRFની ટિમ આવી શકે છે.
આગામી 16,17 અને 18 તારીખે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડશે.16 મેના અમરેલી, ભાવનગર, દિવ સહિતના વિસ્તારમાં વરસાદ પડી શકે છે. 17 મેના ગીર, સોમનાથ, જૂનાગઢ, અમરેલી, દિવમાં પડી શકે છે વરસાદ. 18 મેના રોજ ગીર સોમનાથ અને દિવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લામાં વાવાઝોડાની અસર થઈ શકે છે. એ સિવાય લક્ષદ્વીપ, કેરળ, ગોવા, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. વાવાઝોડાના કારણે મધધરિયે માછીમારોને ન જવાની સૂચના આપવામાં આવી છે. તૌકતે વાવાઝોડું દરિયાકાંઠે પહોંચશે તો વર્ષ 2021નું આ પ્રથમ વાવાઝોડું હશે.
'તૌકતે' વાવાઝોડું દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાંથી ઉદભવ્યું છે. દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાં લક્ષદ્વીપથી ગુજરાત તરફ આ વાવાઝોડું આવશે. તેની અસર લક્ષદ્વીપ, કેરળ, કર્ણાટક, ગોવા અને ગુજરાતમાં થશે. 15મેના રોજ આ વાવાઝોડું લક્ષદ્વીપ અને 18મેની સાંજ સુધી ગુજરાત પહોંચશે. વારા પ્રમાણે મ્યાનમારે આ વાવાઝોડાને તૌકતે નામ આપ્યું છે.
મ્યાનમારમાં જોવા મળતી વિશિષ્ટ પ્રકારનો અવાજ કાઢતી જંગલી ગરોળીના નામ પરથી વાવાઝોડાનું નામ રાખવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાનું સંકટ છે ત્યારે દ્વારકા જિલ્લા પ્રશાસન એક્શન મોડમાં છે. વાવાઝોડાની આગાહીના પગલે દ્વારકા કલેક્ટરે વીડિયો કૉંફ્રેન્સથી બેઠક યોજી હતી. વિવિધ અધિકારીઓ, જિલ્લા પોલીસ વડા. ફિશરીઝ વિભાગ, પીજીવી સી એલ સહિતના વિભાગના અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા.કંટ્રોલ રૂમને નીચાણવાળા વિસ્તારોની યાદી આપવામાં આવી છે અને બચાવ રાહતની કામગીરી માટે ટીમને તૈયાર રહેવા સૂચના અપાઈ છે.
સંભવિત તૌક્તે વાવાઝોડાને લઈ અમરેલીના જાફરાબાદમાં પણ ફિશરીશ વિભાગ અલર્ટ બન્યું છે. જાફરાબાદની 700 ઉપરાંતની બોટ દરિયામાંથી પરત બોલાવી લેવા સૂચના અપાઈ છે. તો સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા અને એલર્ટ રેહવા સૂચના અપાવામાં આવી છે.
તો વલસાડમાં પણ સંભવિત વાવાઝોડાને લઈ વહીવટી પ્રશાસન અલર્ટ છે. જિલ્લા કલેક્ટર આર.આર. રાવલની અધ્યક્ષતામાં બેઠક મળી અને દરિયા કિનારા પર આવેલા 28 ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી. જ્યાં સુધી વાવાઝોડાનું સંકટ ટળે નહીં ત્યાં સુધી નીચાણવાળા 28 ગામના તલાટી મંત્રી અને મામલતદારને હેડક્વાર્ટર ન છોડવા આદેશ અપાયા છે.
રાજ્યના તમામ દરિયાકાંઠાના જિલ્લાઓમાં પ્રશાસન અલર્ટ છે. ત્યારે કચ્છમાં પણ કલેક્ટરે બેઠક યોજીને જિલ્લાના અધિકારીઓને સતર્ક રહેવા સૂચના આપી છે. દરિયા કાંઠાવાળા વિસ્તારના સાત તાલુકાના 123 ગામોને અલર્ટ કરી દેવાયા છે.
માછીમારો, અગરિયાઓ, બંદરો, મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલા તમામ સેંટર્સ પર અલર્ટ અપાયું છે. છેલ્લા દસ વર્ષમાં આવેલા વાવાઝોડાની સ્થિતિનો તાગ મેળવી વહીવટી પ્રશાસન સંભવિત તૌકતે વાવાઝોડાને પહોંચી વળવા સતર્ક છે.