અમદાવાદઃ હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. તેમાં પણ 28-29 જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક ઠેકાણે વરસાદ પડી શકે છે.


બંગાળની ખાડીનું લો-પ્રેશર ઉત્તર-પશ્ચિમ ભારત તરફ આગળ વધશે અને લો-પ્રેશર ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને દક્ષિણ-પૂર્વ રાજસ્થાનનાં સરહદી વિસ્તાર સુધી પહોંચીને મજબૂત બનશે, જેથી મોન્સૂન ટ્રફનો છેડો દક્ષિણ રાજસ્થાન સુધી નીચો આવશે, જેથી 28થી 30 જુલાઇ વચ્ચે ઉત્તર ગુજરાત-કચ્છમાં ભારેથી અતિભારે જ્યારે રાજ્યનાં અન્ય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડશે.

અમદાવાદમાં આગામી બે દિવસ વરસાદ પડશે તેવી આગાહી કરાઈ છે. તો સમગ્ર રાજ્યમાં 28 અને 29મીએ ભારેથી અતિ વરસાદ પડશે તેવું અનુમાન છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીનો વરસાદ 29.45 ટકા છે. 28 અને 29 જુલાઈનાં રોજ અરવલ્લી- બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, મહિસાગર, અમદાવાદ, ગાંધીનગર, તાપી, સુરત, વલસાડ, દમણ, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, જામનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ગાંધીનગર, દક્ષિણ ગુજરાતનાં તાપી, સુરત વલસાડ અને દમણમાં, તેમજ કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને જામનગરમાં અતિભારે વરસાદની આગાહી છે.

ભારે વરસાદના પગલે રાજ્યની અનેક નદીઓમાં પુરમાં આવ્યા છે, તો અનેક ચેકડેમ, ડેમ ઓવરફ્લો થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 22 જિલ્લામાં વરસાદ વરસ્યો છે. મધ્ય પ્રદેશમાં વરસી રહેલા વરસાદના કારણે સરદાર સરોવરની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.

વરસાદની ગેરહાજરીથી ગુજરાતમાં સરેરાશ 301.5 મીમીની સામે 172.2 મીમી વરસાદ પડતાં 43 ટકાની જ્યારે અમદાવાદમાં 281.1 મીમીની સામે માત્ર 98.0 મીમી વરસાદ પડ્યો હોવાથી 65 ટકાની ઘટ છે. પરંતુ, 27 થી 10 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ચોમાસું સક્રિય રહેશે, જેથી અમદાવાદ સહિત રાજ્યમાં અત્યાર સુધીની વરસાદ ઘટ પૂરી થશે.