અમદાવાદઃ રાજ્યમાં વરસાદના વિરામ હાદ ફરીથી સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 19-22 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી છે. આગામી બે દિવસમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થવાનું છે. જેને કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. 19થી 20 સપ્ટેમ્બર સુધી આ સિસ્ટમ મુંબઈ અને દક્ષિણ ગુજરાત આસપાસ પહોંચશે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, લો પ્રેશરને કારણે દ.ગુજરાત અને સૌરાષ્ટ્ર પર વરસાદનું જોર વધશે. જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ધીમા ધીમા વરસાદી ઝાપટા પડી શકે છે. સિઝનનો 121 ટકા વરસાદ વરસી ચૂક્યો છે એવામાં હજુ વધુ વરસાદ લીલો દુષ્કાળ નોંતરી શકે છે. જો કે વરસાદને લઈને ખેડૂતોમાં તો ખુશહાલીનો માહોલ છે. પણ પાછોતરો વરસાદ એ રોગચાળો અને પૂર નિર્મી શકે છે.

અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે બીજા કેટલાક જિલ્લાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ હજુ વરસશે. 21 અને 22 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં ઝરમર વરસાદ વરસી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું જોર વધી શકે છે.

આ પહેલા હવામાન વિભાગે 13 રાજ્યોમાં વરસાદની આગાહી કરી હતી. બે દિવસમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશરની નબળી સીસ્ટમ સક્રીય થશે, જે આગળ વધીને 19-20 સપ્ટેમ્બરે મુંબઇ-દક્ષિણ ગુજરાત સુધી પહોંચશે અને ફરીથી રિ-ડેવલપ થઇને મજબુત બનશે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'હાલમાં પશ્ચિમથી ઉત્તરપશ્ચિમ દિશાનો પવન છે.  હાલની સ્થિતિ પ્રમાણે ગુરુવારે નવસારી-વલસાડ-દમણમાં, શુક્રવારે ડાંગ-વલસાડ-નવસારી-દમણ, શનિવારે વલસાડ-દમણ-સુરત-ડાંગ-તાપી-ભાવનગર-અમરેલીમાં જ્યારે રવિવારે વલસાડ-નવસારી-ભાવનગર-અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ ઝાપટાં પડે તેની સંભાવના છે.'

અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ ગરમીમાં વધારો થતાં સરેરાશ મહતમ તાપમાન ૩૩ ડિગ્રી જ્યારે હવામાં ભેજનું પ્રમાણ સવારે ૮:૩૦ના ૮૭%-સાંજે ૫:૩૦ના ૬૮% રહ્યું હતું. અમદાવાદમાં આગામી દિવસોમાં ગરમીનો પારો ૩૪ ડિગ્રીને પાર જઇ શકે છે.