‘ક્યાર’ વાવાઝોડાની અસરના કારણે આગામી 5 દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. આ સિવાય હવામાન વિભાગે જણાવ્યું છે કે, વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઇ ગઇ છે. જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સાથે સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
હવમાન વિભાગની આગાહી અનુસાર, હાલ ક્યાર સાયક્લોન 200થી 210ની ઝડપે આગળ વધી રહ્યું છે. જે બાદમાં 230 કિમી પ્રતિકલાકની ઝડપે જઈ શકે છે. ત્યારે અરબી સમુદ્રમાં બીજુ પણ એક સિસ્ટમ સક્રિય થઈ છે. લો-પ્રેશન વેલમાર્ક લો-પ્રેશર બની ગયુ છે. જે 24 કલાક બાદ ડિપ્રેશન અને ત્યારબાદ ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે.
એક નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે. જ્યારે ક્યાર વાવાઝોડાના કારણે અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ આવે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર, દ્વારકા અને કચ્છમાં વરસાદ આવે તેવી શક્યતા છે. ક્યાર વાવાઝોડાથી ભારે પવન ફૂંકાવવાના કારણે વેરાવળ, પોરબંદર, અમરેલીના બંદરો પર બે નંબરનું સિગ્નલ અપાયું છે.
સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર અને કચ્છમાં પણ વરસાદની સંભાવના છે. દરિયાકાંઠે સાયક્લોનનું બે નંબરનું સિગ્નલ રહેશે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
રાજકોટ સહિત જેતપુર, જામનગર, જૂનાગઢ તથા મોરબી જિલ્લામાં જોરદાર વરસાદ ખાબક્યો હતો. ઉલ્લેખનીય છે કે, એક કલાકમાં સરેરાશ દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. રાજકોટમાં અડધાથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સૌથી વધુ વરસાદ જેતપુર તાલુકામાં નોંધાયો છે.