માવઠાથી ખેડૂતોની હાલત કફોડી બની છે. રાજ્યમાં આગામી ચાર દિવસ હજુય વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ઠેકાણે આજે વરસાદ પડ્યો છે.
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના વાવ પંથકમાં કમોસમી વરસાદ પડ્યો હતો તો અંબાજીના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કાળા ડિંબાગ વાદળો છવાતા અંબાજીનો માહોલ નયનરમ્ય બન્યો હતો.
મધ્યગુજરાતમાં દાહોદથી લઈને નર્મદા, ડાંગ પંથકના અનેક વિસ્તારોમાં આજે વરસાદ વરસ્યો છે. નર્મદામાં રાજપીપળા સહિતના પંથકમાં તો વરસાદના કારણે પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. જાણે કે ચોમાસું જામ્યુ હોય તેવી રીતે વરસાદ ખાબકતાં ખેડૂતો સહિત અનેક લોકોનો તહેવાર બગડ્યો છે. આ ઉપરાંત સુરતના ડીંડોલીમાં પણ ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે.
અરબ સાગરમાં નવી સિસ્ટમ ઉભી થઈ હોવાના પગલે રાજ્યમાં વાતાવરણ પલટાયું છે અને જેના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. જેની અસર અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પણ અનુભવાઈ રહી છે.
પહેલા લીલા દુષ્કાળ અને હવે કમોસમી વરસાદની મારથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. દિવાળી સમયે જ પડેલા આ બેવડા મારથી ખેડૂતોને ભારે આર્થિક ફટકો પડ્યો છે.