અમદાવાદ: રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ જામ્યો છે. સમગ્ર રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયા છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ વધુ એક આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે કચ્છ,  દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે.   જ્યારે મોરબી,  રાજકોટ,  જૂનાગઢ અને ગીર સોમનાથમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.  


છેલ્લા એક સપ્તાહથી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  હવે આજથી કચ્છ-સૌરાષ્ટ્ર પર વાવાઝોડાનું જોખમ મંડરાઇ રહ્યું છે. જમીન પર સર્જાયેલા ડિપ્રેશન વધારે મજબુત થતા આજથી દરિયાઈ સ્તરે વાવાઝોડામાં પરિવર્તિત થવાના હવામાન વિભાગે સકેત આપ્યા છે. આ વાવાઝોડાને પગલે દરિયાકાંઠા વિસ્તારોમાં પ્રતિ કલાકે 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ગુરૂવાર સાંજની સ્થિતિએ કચ્છના ભૂજથી 70 કિલોમીટર ઉત્તર પશ્ચિમ અને નલિયાથી 60 કિલોમીટર ઉત્તર પશ્ચિમ અને કરાચીથી 250 કિલોમીરટના અંતરે વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે.


હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ કચ્છ-સૌરાષ્ટ્ર જિલ્લાઓમાં 55થી 65 અને 75 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં અમુક સમયે 85 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં વરસાદ વરસ્યો છે.સૌથી વધુ કચ્છના માંડવીમાં 15 ઇંચ વરસાદ ખાબક્યો હતો.  છેલ્લા 24 કલાકમાં કચ્છના મુન્દ્રામાં સાડા 8 ઈંચ, દ્વારકા તાલુકામાં સાડા સાત ઈંચ,અબડાસામાં સાડા છ ઈંચ, અંજારમાં સવા ત્રણ ઈંચ, ગાંધીધામમાં અઢી ઈંચ, ભૂજમાં અઢી ઈંચ, લખતપમાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો છે. 


ભેંસાણમાં બે ઈંચ, લોધિકામાં પોણા બે ઈંચ, નખત્રાણામાં પોણા બે ઈંચ, ભચાઉમાં પોણા બે ઈંચ, ખંભાળીયામાં દોઢ ઈંચ, જોડીયામાં દોઢ ઈંચ, ચુડામાં દોઢ ઈંચ, ચોટીલા,ધોલેરામાં સવા-સવા ઈંચ, દાંતીવાડામાં સવા ઈંચ, ભિલોડામાં સવા ઈંચ, ચીખલીમાં સવા ઈંચ, પોશીના, સુબીરમાં એક-એક ઈંચ, બોડેલી, બેચરાજીમાં એક-એક ઈંચ, સરસ્વતી, ઈડર,મોરબીમાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો હતો.


41 હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા


ગુજરાતના વિવિધ ભાગોમાંથી અત્યાર સુધીમાં કુલ 41,678 લોકોને પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, છેલ્લા 48 કલાકમાં ભારતીય કોસ્ટ ગાર્ડ, નેવી, ઈન્ડિયન આર્મી, એરફોર્સ અને NDRF, ADRFની ટીમોએ 500 થી વધુ લોકોને બચાવ્યા છે. NDRFની 15 ટીમો, SDRFની 27 ટીમો અને સેનાની 7 ટીમો ગુજરાતમાં તૈનાત છે.