Gujarat Weather: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ અને વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન, હવામાન વિભાગે આજે તાત્કાલિક ધોરણે રાજ્યના કેટલાક વિસ્તારો માટે ગંભીર ચેતવણી જારી કરી છે. આગામી ત્રણ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના ૬ જિલ્લાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારેથી અતિભારે વરસાદ અને તોફાની પવનની શક્યતાને જોતાં 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગ (IMD) દ્વારા જારી કરાયેલી નવી આગાહી મુજબ, આગામી ત્રણ કલાક છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લા તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે પવન સાથે વરસાદનું 'રેડ એલર્ટ' આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ૬૨ થી ૮૭ કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નાગરિકોને આ સમયગાળા દરમિયાન સાવચેતી રાખવા અને સુરક્ષિત સ્થળે રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
અન્ય જિલ્લાઓ માટે વરસાદનું ઓરેન્જ અને યેલો એલર્ટ
રેડ એલર્ટ ઉપરાંત, રાજ્યના અન્ય જિલ્લાઓ માટે પણ અલગ અલગ સ્તરના એલર્ટ જારી કરવામાં આવ્યા છે. વડોદરા, સુરત અને ભરૂચ જિલ્લામાં ૪૧ થી ૬૧ કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદ માટે 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે.
આણંદ, ખેડા, દાહોદ, મહિસાગર, પંચમહાલ, અરવલ્લી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી અને બોટાદ જેવા ૧૪ જિલ્લાઓમાં ૪૦ કિમી પ્રતિ કલાકથી ઓછી ઝડપે પવન ફૂંકાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદ માટે 'યેલો એલર્ટ' જારી કરાયું છે.
આગામી ૭ દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં આગામી ૨૨ મે સુધી છૂટાછવાયા કમોસમી વરસાદની આગાહી યથાવત છે. આવનારા ૭ દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. રાજ્યના મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નહિવત્ છે.
5થી વધુ હવામાન નિષ્ણાંતોએ ચોમાસાની કરી આગાહી
દર વર્ષની પરંપરા મુજબ, આ વર્ષે પણ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ૩૧મા વર્ષા વિજ્ઞાન પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યભરના ૩૫ થી વધુ હવામાન નિષ્ણાંતો અને આગાહીકારો એકત્ર થયા હતા અને આગામી ચોમાસાને લઈને પોતાના અનુમાનો અને મંતવ્યો રજૂ કર્યા હતા. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ પણ આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.