અમદાવાદ: ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે વરસાદને લઈ ફરી એક વખત આગાહી જાહેર કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. ભારે વરસાદને પગલે હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે  દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપ્યું છે. 


જ્યારે કચ્છ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી અને છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ અને  દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.   હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.  


હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી


હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પ્રમાણે, રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે. આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. આજથી રાજ્યમાં એક સાથે ચાર વરસાદી સિસ્ટમ એક્ટિવ થઇ છે, જેના કારણે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


દ્વારકા, રાજકોટ અને સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની પડવાની આગાહી છે. ખાસ વાત છે કે, વરસાદી સિસ્ટમ સક્રિય થતાં માછીમારોને દરિયો ના ખેડવા સૂચનાઓ અપાઇ છે, આ સમયે દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે. ઉત્તર ગુજરાતમાં બે જિલ્લા સાબરકાંઠા અને અરવલ્લીમાં હવામાન વિભાગે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યુ છે. 


છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં મેઘમહેર


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં મેઘમહેર થઇ હતી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ પોરબંદરમાં 14 ઈંચ અને કલ્યાણપુરમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો.   છેલ્લા 24 કલાકમાં પોરબંદર તાલુકામાં 14 ઈંચ, દ્વારકાના કલ્યાણપુરમાં સાડા 10 ઈંચ,  પોરબંદરના રાણાવાવમાં સાડા નવ ઈંચ, ગીર સોમનાથના પાટણ વેરાવળમાં પોણા આઠ ઈંચ, જૂનાગઢના કેશોદમાં પોણા આઠ ઈંચ, જૂનાગઢના વંથલીમાં સાત ઈંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં સાડા છ ઈંચ, જૂનાગઢના માણાવદરમાં સાડા છ ઈંચ, પોરબંદરના કુતિયાણામાં પોણા છ ઈંચ, જામનગરના જામજોધપુરમાં પોણા છ ઈંચ વરસાદ વરસ્યો હતો.