ગાંધીનગર: છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સૌરાષ્ટ્રમાં મનમુકીને વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 3 દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. એમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમા દ્વારકા, પોરબંદર અને જામનગરમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.


હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, સૌરાષ્ટ્ર અને તેની આસપાસ હવાનું હળવું દબાણ સર્જાયેલું છે અને સમુદ્રી ઊંચાઈથી 7.6 કિલોમીટરે દક્ષિણપશ્ચિમ તરફ સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. જેના કારણે હજુ આગામી ૩ દિવસ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધારે રહેશે.

જેને લઈને રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એમાં પણ દ્વારકા, પોરબંદર અને જામનગરમાં અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરી છે.

8 જુલાઈ સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે. જેના કારણે માછીમારોને 9 જુલાઈ સુધી દરિયો નહીં ખેડવાની સૂચના અપાઈ છે.

હવામાન વિભાગની આગાહી કરી હતી તે પ્રમાણે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું.