સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે બીજી બાજુ ગરમીનો પ્રકોપ પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે. સતત ગરમીમાં વધારો નોંધાતા હવામાન વિભાગે ગરમીને લઈને જણાવ્યું હતું કે, ગુજરાતના અનેક વિસ્તારોમાં આજથી વધુ ગરમી પડશે. આ ઉપરાંત અનેક જિલ્લાઓમાં ‘યલો એલર્ટ’ પણ જાહેર કરવામાં આવ્યું છે.

ગરમીને લઈને હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આજથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં આજથી ગરમીમાં સતત વધારો જોવા મળશે. આ ઉપરાંત કચ્છમાં આગ ઝરતી ગરમીનો અહેસાસ થશે.

વધુમાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. આજથી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં 3થી 4 ડિગ્રી મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળશે.

મહત્વની વાત એ છે કે, રાજ્યમાં ઉત્તર-પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ થોડો ઘણો જ ફેર પડશે.