અમદાવાદઃ કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે રેલવે વિભાગના કર્મચારીઓ પણ તેની ઝપેટમાં આવી ગયા છે. રેલવાના 75થી વધારે કર્મચારીઓને કોરોના પોઝિટિવ હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જેમાંથી 10થી વધારે રેલ કર્મચારીઓના મોત વાયરસને કારણે થયા છે.


વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયનના મંડળ સંગઠનમંત્રીના જણાવ્યા મુજબ કોરોના વાયરસને કારણે રેલવે કર્મચારીઓ તેનો ભોગ બની રહ્યા છે. જેથી સાવચેતીના ભાગરૂપે તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ રહે તે માટે ૫૦ ટકા સ્ટાફને કામના સ્થળે બોલાવવાની માંગણી જીએમ સુધી કરાઇ છે.

અમદાવાદ વિભાગમાં ૨૦ હજાર કર્મચારીઓ કામ કરી રહ્યા છે. તેમની સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં એડવાન્સ પેમેન્ટ સિસ્ટમ રેલવે દ્વારા લાગુ કરવામાં આવી છે. નોંધપાત્ર છેકે હાલમાં રૂટિન ટ્રેનોનું સંચાલન થઇ રહ્યું નથી. ફક્ત સ્પેશિયલ ટ્રેનો તેમજ પાર્સલ ટ્રેનો દોડી રહી છે

સોમવારના છેલ્લા 24 કલાકમાં કોરોનાના 563 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 21 દર્દીઓનાં મોત થયા છે અને 560 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 27880 પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1685 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 19917 દર્દી સાજા થયા છે.