Ahmedabad: રાજ્યમાં એસ.કે.લાંગા અને કે.રાજેશ બાદ વધુ એક કલેકટર વિવાદમાં આવ્યા છે. સાબરકાંઠા કલેકટર નૈમેષ દવે વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. ભૂમાફિયાઓની સાથે મિલીભગતમાં કરેલા ભ્રષ્ટાચારની તપાસ માટે ACB અને વિજિલન્સ કમિશનમાં ફરિયાદ કરવામાં આવી છે. ઉચ્ચકક્ષાની તપાસ માટે ગૃહ મંત્રી અને મુખ્યમંત્રીને પણ ફરિયાદ કરાઈ છે.
સરકારી તિજોરીને નુકસાન થાય એ રીતેની સાંઠગાંઠ કરીને ખેડૂતોને હેરાન કરાતા હોવાની આરોપ છે. કલેકટર અને ભૂ માફિયા સાથે ગાંઠમાં ખેડૂતોની જગ્યા પચાવી પડાઈ હોવાનો આરોપ છે. ભૂમાફિયાઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ પણ ફરિયાદ નોંધાઇ છે. સાબરકાંઠાના તલોદની ખેતી લાયક જગ્યા ભૂમાફિયાઓ એ પચાવી પાડી છે. સર્વે નંબરની જગ્યાઓમાં કોર્ટના હુકમ બાદ પણ સાંઠગાંઠમાં કલેકટર કચેરીમાં ઠાગાઠૈયા કરવામાં આવતા હોવાના અને એક ખેડૂતે બીજા ખેડૂતોને અવેજ ચૂકવી આપ્યા બાદ પણ નોંધ કરી આપવાનો કલેકટરનો ઇનકાર કર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
કલેકટર ઉપરાંત નાયબ કલેકટર અને ચીટનીશ પણ સાંઠગાંઠમાં સામેલ હોવાનો આરોપ છે. હાઇકોર્ટના એક વકીલે પુરાવા સાથે ભ્રષ્ટાચારની ફરિયાદ કરી છે. નિત્યાનંદની કરતૂતોનો પર્દાફાશ કરનાર વકીલે સાબરકાંઠા કલેક્ટરના ભ્રષ્ટાચારના પણ પુરાવા મેળવીને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
અમદાવાદમાં રહેતા પ્રિતેશ શાહ શહેરના જાણીતા એડવોકેટ છે. જેમના પત્નીના નામે તેમની જમા પુંજીથી સાબરકાંઠા ખાતે જમીન ખરીદી હતી. આ જમીન તેઓએ ખેતી કરવાના આશયથી ખરીદી હતી .વ્યવસાય ભલે એડવોકેટનો છે પરંતુ પ્રકૃતિ પ્રેમના આધારે તેઓએ જમીન ખરીદવાનું નક્કી કર્યું અને સાબરકાંઠાનાં તલોદ ખાતે 15 વીઘા જેટલી જમીન ખરીદી હતી અને જેમાં ખેડૂતોને નિયત તેમણે કરેલી રકમ પણ ચૂકવી દીધી હતી. જોકે બન્યું એવું કે જમીન ખરીદ્યા બાદ કાચી નોંધમાંથી પાકી નોંધ કરવાની થઈ ત્યારે તેમનાં પગ નીચેથી જમીન સરકી જવા જેવી સ્થિતિ ઊભી થઈ હતી. આ જમીન પર તલોદના જ ભૂમાફિયાઓ દ્વારા કલેકટરની પરવાનગી વગરના ગેરકાયદેસર બાનાખત ઉભા કરી ગેરકાયદેસર રીતે ખોટા દસ્તાવેજો ઉભા કરી અને જમીન પચાવી પાડી છે.આ એજ ભૂ માફીયાઓ છે ,જેમના ઉપર અગાઉ લેન્ડ ગ્રેબિંગ સહિતનાં ગુનાઓ ક્રાઈમ બ્રાન્ચમાં પણ નોંધાયા છે.
જોકે જમીન પચાવી પાડવાની બાબતમાં ઊંડા ઉતરતા ખબર પડી કે કલેકટર નૈમેશ દવે અને ચીટનીશ હર્ષ પટેલે ભૂ માફીયાઓ સાથે રાજકીય સાંઠગાંઠ કરી લાંચ લઈને જમીનને બારોબાર સગેવગે કરી દેવા માટે ,ખેડૂતને એના હક્કથી વંચિત રાખવાનો કારસો રચ્યો હતો. આ મુદ્દે ફરિયાદી અને એડવોકેટ પ્રિતેશ શાહે અનેકવાર રજૂઆતો કરી તેમજ ગુજરાત હાઇકોર્ટના વિવિધ ખંડપીઠના ચુકાદાઓ પણ ટાંકી રજૂઆતો કરી કે આ સમગ્ર કેસમાં સાબરકાંઠા કલેકટર ,પ્રાંતિજ નાયબ કલેકટર દ્વારા કાયદાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. તેમજ આ મુદ્દે તેઓએ રાજ્યના ગૃહ અને મહેસૂલ મંત્રી હર્ષ સંઘવી સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ રજૂઆત કરી છે. નોંધનીય છે કે સરકારી તિજોરીને નુકસાન થાય એ રીતેની સાંઠગાંઠ કરીને ખેડૂતોને હેરાન કરાતા હોવાની આરોપ પણ મુકાયો છે. ભૂમાફિયાઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ પણ ફરિયાદ નોંધાઇ છે. તેમજ એક ખેડૂતે બીજા ખેડૂતોને અવેજ ચૂકવી આપ્યા બાદ પણ નોંધ કરી આપવાનો કલેકટરનો ઇનકાર હોવાની વિગતો પણ સામે આવી છે. કલેકટર ઉપરાંત નાયબ કલેકટર અને ચીટનીશ પણ સાંઠગાંઠમાં શામેલ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.