દ્વારકા: દ્વારકાના મોટા આસોટમાં આભ ફાટ્યું હતું. કલ્યાણપુરના મોટા આસોટમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદને પગલે આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું. લોકો પોતાનો જીવ બચાવવા માટે પોતાના ઘરો પર ચઢી ગયા હતા. પાણીના પ્રવાહમાં ખેડૂતોના ગાડાં અને બજારમાં મુકવામાં આવેલા બાઈકો પણ તણાઇ ગયા હતાં.

આસોટ ગામમાં પાણી ફરી વળતાં ઘરોમાં પાણી ઘુસી ગયા છે. જેના કારણે ઘરવખળી પલળી જતાં ગ્રામજનોને ભારે નુકસાની વેઠવી પડી છે. આભ ફાટતાં આસોટા ગામના મુખ્ય માર્ગો નદી વહેતી થઈ ગઈ હતી. જેના કારણે ધસમસતો પાણીનો પ્રવાહ વહેવા લાગ્યો છે.

આ જોઈ ગ્રામજનો પણ અચંબામાં પડી ગયા હતા. જ્યાં લોકો પાણી માટે તરસતા હતા ત્યાં આખરે આટલું પાણી કેવી રીતે આવ્યું. જોકે ગામમાં પાણી ફરી વળતાં ગ્રામજનો ધાબા પર ચઢી ગયા હતાં.

દ્વારકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘ મહેર જોવા મળી છે. જોકે આસોટા ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં આભ ફાટ્યું છે. આસોટા ગામમાં 13 ઈંચ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ છે. આખા ગામમાં કેડ સમા પાણી ભરાઈ ગયા હતા.

ગામમાં ક્યારે પણ પાણી આવતું નથી પરંતુ એક જ રાતમાં ખાબકેલા ભારે વરસાદના કારણે ગામમાં નદી વહેતી થઈ હતી. પાણીના પ્રવાહમાં ખેડૂતોના ગાડાં તણાઈ ગયા હતા જ્યારે બજારમાં રાખેલા વાહનો પણ તણાતા જોવા મળ્યાં હતાં. આ ઉપરાંત ભેંસો, બાઈકો, મોટરકાર સહિતની વસ્તુઓ પાણીમાં તણાતી જોવા મળી હતી.