મોરબીઃ ગુજરાતની નવી સરકારની જાહેરાત બાદ આખરે પહેલીવાર જાહેરમાં નીતિન પટેલ (Nitin Patel) નું આ દર્દ છલકાયુ હતું. મોરબીના એક કાર્યક્રમમાં તેમણે જાહેરમાં એક નિવેદન આપ્યુ હતું.  મોરબીમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે પોતાના હૃદયની લાગણી જાહેરમાં વ્યક્ત કરી હતી. ખોખરા હનુમાન ધામ ખાતે કેશવાનંદ બાપુ વેદ વિદ્યાલયના ઉદઘાટન સમારોહમાં નીતિન પટેલે હાજરી આપી હતી. જેમાં તેમણે કહ્યું કે, ‘હું નાયબ મુખ્યમંત્રી હતો ત્યારે મને આમંત્રણ મળ્યુ હતું. જો હવે અને હું નાથિયા જેવા થઇ ગયા છે.  સાથે જ તેમણે એક ગુજરાતી કહેવત ‘નાણાં વગરનો નાથિયો નાણે નાથા લાલ" ટાંકીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. 


મોરબીના ખોખરા હનુમાન હરિધામ ખાતે રવિવારે વેદ વિધાલય અને સંસ્કૃત મહાવિધાલય તથા ગુરુકુળના નવા ભવનનો ઉદ્ઘાટન પ્રસંગ યોજવામાં આવ્યો હતો. જે પ્રસંગે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય તેમજ પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા સહિતના મહાનુભાવો તેમજ મહામંડલેશ્વર માં કનેશ્વરી દેવીના ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો.  જે પ્રસંગે ઉદબોધન કરતા નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે સત્તામાં હોય કે ના હોય પરંતુ તેને બોલાવે તે મહત્વનું છે મંદિરનું જયારે તેમને આમંત્રણ મળ્યું ત્યારે તેઓ નાયબ મુખ્યમંત્રી હતા અને બાદમાં પરિસ્થિતિ બદલાઈ હતી છતાં માતાજીએ તેઓને ઉદ્ઘાટન કાર્યક્રમમાં આવવાનું જ છે તેવું આમંત્રણ આપતા તેઓ આજે પધાર્યા હોવાનું જણાવ્યું હતું. 


તેમણે પોતાનું મોટાભાગનું વક્તવ્ય હિન્દી ભાષામાં જ આપ્યું હતું એટલું જ નહિ તેઓએ જણાવ્યું હતું કે મોરબી અગાઉ હોનારત અને સિરામિક ઉદ્યોગથી ઓળખાતું હતું જયારે હવે એમાં ત્રીજી વસ્તુ ઉમેરાઈ છે અને હવે મોરબી સંસ્કૃત વિશ્વ વિધાલયથી ઓળખાશે તો ખોખરા હનુમાન ધામ ખાતે ૧૦૮ ફૂટની હનુમાનજી મહારાજની પ્રતિમા પણ બનવાની છે સાથે જ કોરોના કાળમાં ઉદ્યોગપતિઓએ કરેલી સેવાને નીતિનભાઈ પટેલે બિરદાવી હતી.  વક્તવ્ય પૂર્ણ થયા બાદ મીડિયા સાથેની વાતચીતમાં નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે જોકે હોદો ના હોવા છતાં તેઓને આમંત્રણ મળ્યું હતું જેથી ગમ્મતમાં તેઓ બોલ્યા હોવાનું જણાવ્યું હતું.