લોકડાઉન વચ્ચે સામાજીક પ્રસંગો સદંતર બંધ છે. સરકારે કલેકટરની પરવાનગી અને અનેક બાંહેધરી બાદ જે લોકોના લગ્ન પહેલાથી નક્કી હતા તેમને જ પરવાનગી આપવામાં આવે છે. અંબાજીમાં આજે આવા જ એક લગ્ન યોજાયા. લગ્ન લોકડાઉન પહેલાથી નક્કી હોઈ આજે માત્ર પરિવારના સભ્યોની હાજરીમાં અંબાજી ખાતે લગ્ન યોજાયા હતા. પરંતુ આ પરિવાર નક્કી કર્યું હતું કે કોરોના મહામારી વચ્ચે લગ્નમાં જે પણ સગા સંબંધીઓ દ્વારા ભેટ સોગાદ આપવામાં આવે તે ભેટ અને નાણાં તેઓ પીએમ રાહત ફંડમાં જમા કરાવશે. જે અંતર્ગત આજે જ્યારે લગ્ન વિધિ પૂરી થઈ તે બાદ બંને યુગલો દ્વારા તેમને મળેલી ભેટની રકમ તેમજ પોતાની રકમ ઉમેરી તેઓએ જિલ્લા કલેકટરને એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર નો ચેક અર્પણ કર્યો હતો. તાજેતરમાં જ લગ્ન કરેલા નવ યુગલને કલેકટર ઓફિસમાં જોઈ કલેકટર ઓફિસના કર્મચારીઓ પણ મૂંઝવણમાં મુકાયા હતા.
લોકડાઉન ના સમયમાં દેશના અનેક લોકોએ પીએમ અને સીએમ રાહત ફંડમાં મોટું યોગદાન આપ્યું હતું. આ વચ્ચે નવયુગલે પોતાના નવજીવન ની શરૂઆતમાં જ પોતાને મળેલી ભેટ અને બચતના નાણાં લગ્નના દિવસે જ દેશસેવામાં અર્પણ કરી એક નવો રાહ ચિંધ્યો છે. સમગ્ર જિલ્લામાં લોકડાઉન વચ્ચે યોજાયેલા આ અનોખા લગ્નની ચર્ચા થઈ રહી છે.