નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આજે પોતાના સંબોધનમાં બે મોટી જાહેરાત કરી. લોકડાઉનનો ચોથો તબક્કો આવશે. આ સિવાય તેમણે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી. પ્રધાનમંત્રી મોદીએ પોતાના ભાષણ દરમિયાન ગુજરાતના કચ્છમાં 2001માં આવેલા ભૂકંપનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કચ્છ ભૂકંપના ભયાનક દ્રશ્યોને કોરોના સાથે જોડતા કહ્યું એ પરિસ્થિતિમાં કોઈ વિચારી પણ નહોતું શકતું કે પરિસ્થિતિ બદલાશે, પરંતુ જોત જોતામાં કચ્છ ફરી પાછું બેઠું થયું.


પ્રધાનમંત્રી મોદીએ દેશની જનતાને કચ્છ ભૂકંપનું ઉદાહરણ આપતા કહ્યું, મે મારી આંખે કચ્છમાં ભૂકંપના એ દિવસો જોયા છે. ચારેબાજુ કાટમાળ હતો. બધુ ધ્વસ્ત થઈ ગયું હતું. એવું લાગતુ હતું કચ્છ મોતની ચાદર ઓઢી લીધી છે. એ પરિસ્થિતિમાં કોઈ વિચારી પણ નહોતું શકતું કે કચ્છ ફરીવાર બેઠુ થશે. કચ્છ ફરી ચાલવા લાગ્યું, કચ્છ આગળ વધ્યું. આજ આપણા ભારતીયોની સંકલ્પ શક્તિ છે. આપણે ધારી લઈએ તો કોઈ લક્ષ્ય અસંભવ નથી. કોઈ રસ્તો મુશ્કેલ નથી.

ઉલ્લેખનીય છે કે 26 જાન્યુઆરી વર્ષ 2001માં ગુજરાતના કચ્છમાં ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા 7.7 હતી. આ ભૂકંપનું કેંદ્ર બિંદુ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ચોબરા ગામથી આશરે 9 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં હતું. પાકિસ્તાનના ભારત પાકિસ્તાન બોર્ડર આવ્યું હતું. જેના કારણે પાકિસ્તાનમાં પણ ઘણુ નુકશાન થયું હતું. રિપોર્ટ્સ મુજબ આ ભૂકંપમાં આશરે 20 હજાર લોકોના મોત થયા હતા, જ્યારે આશરે દોઢ લાખથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ભૂજમાં ખૂબ જ મોટાપાયે નુકશાન થયું હતું.