પાટણ: શહેરમાં ખાખીનો રોફ સામે આવ્યો છે અને જેમને પ્રજાનું રક્ષણ કરવાનું હોય છે એજ પોલીસકર્મીઓએ સામાન્ય બાબતે ફેબ્રિકેશનનો વ્યવસાય કરતા બે ભાઈઓને કથિત માર માર્યો. એટલી હદે ઢોર મારમાર્યો કે છેલ્લા  સાત-આઠ દિવસથી બંને યુવાનોને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે.  આ યુવકોને માર મારવાની ઘટનાથી ઠાકોર સમાજ માં રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસકર્મીઓ સામે કાર્યવાહીની માંગ સાથે પોલીસ અધિક્ષક ને રજુઆત કરવામા આવી હતી. આ સમગ્ર  ઘટનાને લઈ પોલીસકર્મીઓ સામે બી ડિવિઝન પોલિસ સ્ટેશનમાં માત્ર એન સી કેસ નોંધાતા સમાજની અંદર રોષ જોવા મળી રહ્યો છે. આજ રોજ પાટણ ગાંધી બાગ ખાતે  ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનોની બેઠક મળી હતી અને વિવિધ બેનરો સાથે ન્યાયની માંગ સાથે રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.


પાટણ જિલ્લાના 36 ગામના ક્ષત્રિય ઠાકોર સમાજના અગ્રણીઓની બેઠક મળી હતી. આ બેઠકની અંદર ન્યાયની માંગ સાથે રેલી યોજી પોલીસ વિરુદ્ધ સુત્રોચાર સાથે આરોપી પોલીસકર્મીઓ સામે ગંભીર પ્રકારની કલમ લગાવવા આવે તેમજ ફરજ મુક્ત કરવામાં આવે તેવી માગ સાથે કલેકટર કચેરી પહોંચી કલેકટરને રજુઆત કરવામાં આવી હતી. તેમ છતાં જો ન્યાય નહિ મળે તો આગામી સમયમાં ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન સહિત પાટણ બંધનું એલાન આપવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.


લોકોના ટોળા એકઠા થઈ ગયા


પાટણ શહેરના સરદાર કોમ્પ્લેક્સમાં થોડા દિવસ અગાઉ પોલીસ કર્મીઓ દ્વારા બે યુવાનોને ઢોર માર મારવામાં આવ્યો હતો. ઘટના એવી છે કે,  ફેબ્રિકેશનની દુકાન ચલાવી ઘરનું ગુજરાન ચલાવતા અરવિંદજી રોજની જેમ પોતાની દુકાન ખોલી બેઠા હતા તે દરમીયાન તેમની દુકાન આગળ એક ગાડી આવીને ઉભી રહી જેથી અરવિંદ ભાઈએ ગાડી ચાલકને ગાડી દુકાનથી થોડી આગળ પાર્ક કરવાં કહ્યું. બસ આટલી વાતમાં તો ગાડી ચાલક રોફ કરવા લાગ્યો અને મન ફાવે તેમ અરવિંદ ભાઈને ભુડી ગાળો બોલવા લાગ્યો જેથી હાજર રહેલ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતો.


આ ઉપરાંત ગાડી ચાલકે કહ્યું કે, તું મને ઓળખ તો નથી મારો ભાઈ LCB માં છે આમ કહી ગાડી ચાલકે તેના ભાઈ જે LCBમાં ફરજ બજાવે છે તેમને ફોન કરી બોલાવ્યા હતા. જેથી બે યુવકો સિવિલ ડ્રેસમાં બાઇક લઈ આવ્યા જેમાંથી એકએ પોતાનું નામ રાહુલ છે અને હું પોલીસમાં છું તેમ કહી બળવંતજી ઠાકોર અને અરવિંદ ઠાકોર બંને યુવાનોને PCR વાનમાં બેસાડીને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા અને ત્યાર બાદ LCB કચેરીએ કચેરીએ લાવી LCB સ્ટાપ દ્વારા બંને યુવાનોને પ્લાસ્ટીકની પાઇપ, ધોકા અને પટ્ટા વડે માનવતા નેવે મૂકી બેરહમીથી માર મારવામાં આવ્યો હતો. જેમાં LCB PI,આર, કે, અમીન, તેમજ અન્ય પોલીસકર્મી રાહુલ, અંબાલાલ, બળવંતજી સહિત સ્ટાફના માણસોએ ગડદા પાટુ વડે ઢોરમાર મારવા લાગ્યા હતા. આ યુવાનોને પોલીસે એટલો માર માર્યો કે તેઓ સ્થળ પર જ બેભાન થઈ ગયા હતા. ત્યાર બાદ LCB સ્ટાફ દ્વારા બંને યુવાનોને બી ડિવિઝન પોલીસ મથક પર સોંપી દીધા હતા.


પાંચ લોકો સામે નામ જોગ ફરિયાદ


ત્યાર બાદ બન્ને યુવકોને ગંભીર હાલતમાં ધારપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાાંમ આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. સમગ્ર ઘટનાને લઈ ઠાકોર સમાજના અગ્રણીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ઇજાગ્રસ્ત યુવક દ્વારા LCB PI આર,કે અમીન, સહિત LCB સ્ટાફ અંબાલાલ, રાહુલ, બળવંત સહિત અને એક મળી કુલ પાંચ લોકો સામે નામ જોગ ફરિયાદ નોંધાવા પામી છે.  પાટણ LCB પોલીસકર્મીઓ સામે ફરિયાદ નોંધાતા સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. જો આ પ્રકારે જેમને પ્રજાનું રક્ષણ કરવાનું હોય એજ ભક્ષક બનશે તો પોલીસ પર પ્રજાનો વિશ્વાસ કઈ રીતે રહેશે. હાલ તો સમગ્ર ઘટનાને લઈ LCB PI સહિત પાંચ સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે અને ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે જે તપાસમાં જે પુરાવા મળે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસ અધિકારી જણાવી રહ્યા છે.