મિતરાજ ભાજપના ભૂતપૂર્વ સંસદસભ્ય દિનુ બોઘા સોલંકીના ભત્રીજા શિવાભાઈ સોલંકીનો પુત્ર છે. દીનુ બોઘા સોલંકીના પૌત્ર એવા માત્ર 22 વર્ષના મિતરાજે કેમ આપઘાત કરી લીધો તેની વિગતો બહાર નથી આવી. આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યાના કેસમાં દીનુ સોલંકી અને શિવાભાઈ સોલંકીને સજા થઈ છે. સોલંકી પરિવારનાં ઘણા સભ્યોને કોરોના થતાં હાલમાં દીનુ બોઘા સોલંકી તથા શિવાભાઈ સોલંકી બંને જામીન પર મુક્ત થયા છે.
કોડીનારના રાજમોતી પરિવારના યુવાન મિતરાજસિંહ સોલંકીએ અકળ કારણોસર રિવોલ્વર વડે લમણે ફાયરીંગ કરીને આપઘાત કરતા તાલુકાભરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મિતરાજે દેવળી સ્થિત તેમના માનઘર નિવાસ સ્થાને બપોરે તેના મિત્રની રિવોલ્વર વડે જમણે લમણે રિવોલ્વર વડે ફાયરીંગ કરી લેતાં લોહીલુહાણ થઈ ઢળી પડયો હતો. પરિવારજનોને જાણ થતા તેને પ્રથમ અબુંજા હોસ્પિટલમાં લઇ જતાં ત્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. તેના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે કોડીનાર સરકારી દવાખાને ખસેડતા કોડીનારના રાજકીય આગેવાનો સહિતના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. મગજના ભાગમાં ગોળી વાગેલી હોવાથી ફાયર કે મિસ ફાયર જેવી ચોક્કસ વિગત જાણવા મૃતદેહ જામનગર પી.એમ માટે મોકલ્યો છે. બનાવની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.