ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. રાજકોટ, અમરેલી, બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં કમોમસી વરસાદ પડતા ખેડૂતોને પાકમાં નુકસાન જવાની ચિંતા સતાવી રહી છે.


રાજકોટના જેતપુર, ગોંડલ, ધોરાજી, લોધિકા અને વીરપુર પંથકમાં દિવાળી પૂર્વે એકાએક વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત બન્યા છે. લોધિકાના બાલસર, વાગુદડ, ચાદલી, માખાવડમાં તો ધોરાજીના ધોરાજીના ભુતવડ, નાની મારડ, ફરેણી, ભોળા, સુપેડી સહિત ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો.


વરસાદના કારણે ખેતરમાં રહેલા મગફળીના પાથરા પલળી ગયા. તો ખરીફ પાકને પણ ભારે નુકસાન થવાની વકી છે. કમોસમી વરસાદ વરસતા મગફળી,કપાસ,સોયાબીન સહિતના પાકોમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ચોમાસાની વિદાય બાદ કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિતા વધી ગઈ છે. ખરીફ પાકમાં કેળ, કપાસ, તુવેર, મરચીના પાકને ભારે નુકસાન થવાની ભિતી ખેડૂતોમાં સેવાઇ રહી છે.


અમરેલીમાં વરસાદ


અમરેલીના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કમોસમી વરસાદના કારણે ખેતરોમાં સૂકાવવા રાખેલા મગફળીના પાથરાઓ પલળ્યા હતા. સાવરકુંડલા પંથકના મોટા ભામોદ્રા અને છેલણા આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. મોટા ભામોદ્રા ગામમાં તો ધોધમાર વરસાદ વરસતા શેરીઓમાં પાણી વહેતા થયા હતા. તાઉ-તે સમયે નુકસાનીનો સામનો કરી ચૂકેલા ખેડૂતોને સારા ચોમાસા બાદા સારા પાકની આશા છે. પરંતુ, કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ઉભા પાકમાં નુકસાની જવાની ભીતિ છે.


બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં વરસાદ


સૌરાષ્ટ્રની સાથે ઉત્તર ગુજરાતના પણ અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા, અરવલ્લી  સહિતના વિસ્તારોમાં માવઠાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. બનાસકાંઠાના કાંકરેજમાં વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ નોંધાયો છે. કાંકરેજના થરા,ખારીયા,રૂની સહિતના ગ્રામ્ય વિસ્તરોમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. તો થરા પંથકમાં પણ 15 મિનિટથી વધુ સમય સુધી વરસાદ નોંધાયો હતો. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે. કારણે આ વરસાદથી કપાસ, મગફળી સહિતના રવિ સીઝનના પાકને નુક્સાન જવાની ભીતિ છે.