દર વર્ષે દેશ-વિદેશથી બાર જ્યોતિર્લિંગમાંના પ્રથમ એવા સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે ભક્તો આવતાં હોય છે ત્યારે સરકારના સહયોગથી ટ્રસ્ટ અનેક સુવિધાઓ પૂરી પાડતું હોય છે. ગત વર્ષે સ્વચ્છતાનો એવોર્ડ મળ્યાં બાદ હવે સોમનાથ ટ્રસ્ટ ભક્તો અને પ્રવાસીઓને વિનામૂલ્યે ભોજનની સુવિધા પૂરી પાડશે. આ ભોજનમાં સવારે દાળ-ભાત, શાક, રોટલી, ફરસાણ અને સ્વીટ જ્યારે સાંજે દાળ-ભાતની બદલે કઢી-ખિચડી આપવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત જો કોઈ ભાવિકોને સોમનાથમાં લગ્ન કરવા હશે તો લગ્ન માટે ટૂરિસ્ટ ફેસિલીટી સેન્ટરનો અદ્યતન હોલ પણ મેળવી શકશે. આ હોલનું ભાડું 11,000 જેટલું હશે તેવું સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું હતું. આ ભાડામાં ખુરશીઓ, રહેવાનું, જાનનો ઉતારો, ગોર મહારાજથી લઈ અને લગ્નવિધીનું સર્ટીફિકેટ પણ પૂરું પાડવામાં આવશે.